બગસરા તાલુકાના સુડાવડ ગામે વહેલી સવારે બનેલી આ ઘટનાએ માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની ગંભીરતા ફરી એકવાર છતી કરી છે. ૧૪ મેના રોજ વહેલી સવારે એક વિશાળકાય સિંહ ગામની મુખ્ય બજારમાં શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. આ ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે એક બાઈકચાલકની પાછળ યમદૂત બનીને સિંહ ચાલી રહ્યો હતો. સદનસીબે, સિંહે હુમલો કરવાનું ટાળ્યું હતું અને બાઈક ચાલક અજાણતા જ હેમખેમ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા વન વિભાગની સતર્કતા સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.