ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તનાતનીની અસર હવે ભારત પર પડતી જોવા મળી રહી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં વધારો નહતો થયો પરંતુ આજે ૧૫મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો વધારો થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા હવે અન્ય વસ્તુઓના ભાવમાં વધારાની પણ ભીતિ સેવાઈ રહી છે. પહેલા સરકારે સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી અને ત્યારબાદ અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જાવા મળી રહ્યો છે. ભાવ વધારા બાદ ગુજરાતના મોટા શહેરોમાં આજે શું ભાવ છે એ પણ જાણો.
અમદાવાદમાં પહેલા પેટ્રોલ ૯૪.૪૯ રૂપિયે હતું જે ૯૭.૫૧ ભાવ થયો જ્યારે ડિઝલનો ભાવ પહેલા ૯૦.૧૭ ભાવ હતો જે હવે ૯૩.૨૬ ભાવ થયો પાવર પેટ્રોલમાં ૧૦૩.૦૬ હતા જે હવે ૧૦૬.૦૫ ભાવ થયો. જ્યારે સુરતની વાત કરીએ તો ડીઝલનો ભાવ ૯૦.૦૩ રૂપિયા પ્રતિ લીટર હતો જે હવે ૯૩.૧૪ રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૪.૩૪ રૂપિયાથી વધીને ૯૭.૩૫ રૂપિયા થયો છે.
આ ઉપરાંત વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૪.૧૫ રૂપિયાથી વધીને ૯૭.૬૦ રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ ૮૯.૮૨ રૂપિયાથી વધીને ૯૩.૩૭ રૂપિયા પ્રતિ લીટર થયો છે જ્યારે રાજકોટમાં ડીઝલ પ્રતિ લીટર ૯૦.૭૪ રૂપિયાથી વધીને ૯૩.૦૮ રૂપિયા અને પેટ્રોલનો ભાવ ૯૭.૨૯ રૂપિયા પ્રતિ લીટર જાવા મળી રહ્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ ૯૭.૭૭ રૂપિયા પ્રતિ લીટર થયો અને ડીઝલનો ભાવ ૯૯.૬૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ આવું પહેલીવાર થયું છે કે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ પીએમ મોદીએ દેશની જનતાને ફ્યૂલ બચાવવાની અપીલ કરી હતી. તેમણે વર્ક ફ્રોમ હોમ અને ખાનગી વાહનોના ઓછા ઉપયોગ પર ભાર મૂક્્યો હતો. ત્યારથી એવા સંકેત મળી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આજે થયેલો ભાવ વધારો તત્કાળ પ્રભાવથી લાગૂ થયો છે.











































