કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી ૧૬ અને ૧૭ મેના રોજ પોતાના માદરે વતન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર સહિત અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની ભેટ જનતાને ધરશે.
પ્રવાસના પ્રથમ દિવસે અમિતભાઈ શાહ લોકસભા ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ખાસ કરીને ‘રમશે બાળક ખીલશે બાળક’ અભિયાન અંતર્ગત તેઓ બાળકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથેની શુભેચ્છા મુલાકાત પણ રાજકીય દૃષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે.
૧૭ મેના રોજ ગૃહમંત્રીના હસ્તે ત્રાગડ ખાતે ‘મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક’નું લોકાર્પણ કરવામાં આવશે. આ આધુનિક આઈટી સેન્ટર રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે. સાથોસાથ, દશેલામાં મધુર ડેરીના અદ્યતન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેની ક્ષમતા પ્રતિદિન ૫ લાખ લિટરની હશે.
અમિતભાઈ શાહના હસ્તે એનઆઈડીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ લોકાર્પણ થશે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મુકાશે.










































