પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસા અને મત ગણતરીમાં કથિત અનિયમિતતા અંગે તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.ટીએમસી રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે પાર્ટી કાનૂની લડાઈ લડશે અને દરેક કથિત અનિયમિતતાને કોર્ટમાં પડકારશે. અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ કરીને ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે હિંસા દરમિયાન કેન્દ્રીય દળો “મૌન પ્રેક્ષક” રહ્યા.
અભિષેક બેનર્જીએ લખ્યું, “હું તૃણમૂલ કોંગ્રેસ પરિવારના દરેક કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ જ મુશ્કેલ અને ધાંધલધમાલવાળી ચૂંટણી છતાં, તમે આશા છોડી ન હતી. ઘણી જગ્યાએ, અમારા ઉમેદવારો અને ગણતરી એજન્ટોને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ ગણતરી પ્રક્રિયાને નિયંત્રિત કરી હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષાના આશ્વાસન છતાં, પરિણામો જાહેર થયા પછી બંગાળમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે ટીએમસી કાર્યકરો, પાર્ટી કાર્યાલયો અને ઘરો પર હુમલો કરવામાં આવ્યો અને આગ લગાવવામાં આવી ત્યારે કેન્દ્રીય દળો ચૂપચાપ ઊભા રહ્યા.
ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું, “આ સંઘર્ષમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.” બંગાળે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણું સહન કર્યું છે, અને આવી ઘટનાઓ આપણી ભૂમિની ભાવના વિરુદ્ધ છે. બેનર્જીએ દાવો કર્યો હતો કે ૧૦૦ થી વધુ બેઠકો પર, તેમના ઉમેદવારો અને ગણતરી એજન્ટોને બળજબરીથી ગણતરી કેન્દ્રો પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઘણી જગ્યાએ ગંભીર ગેરરીતિઓ થઈ છે અને જાહેર જનાદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
અભિષેક બેનર્જીએ કહ્યું, “પરંતુ આ લડાઈ હજુ પૂરી થઈ નથી. અમે બંધારણીય અને કાનૂની માધ્યમથી દરેક ગેરકાયદેસર કાર્યવાહી, ચાલાકી અને સત્તાના દુરુપયોગને પડકારીશું. અમને સુપ્રીમ કોર્ટ અને દેશની લોકશાહી સંસ્થાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. સત્યને કાયમ માટે દબાવી શકાતું નથી.” તેમણે પક્ષના કાર્યકરોને એકતામાં રહેવા અને લોકોની સેવા કરવાનું ચાલુ રાખવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું કે ટીએમસી વધુ મજબૂતી સાથે પરત ફરશે. નોંધનીય છે કે તાજેતરની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૧૫ વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ સરકારને સત્તા પરથી દૂર કરવામાં આવી હતી.











































