દક્ષિણ ગુજરાતના અત્યંત વ્યસ્ત ગણાતા ભરૂચ-દહિસર હાઈવેની ખરાબ હાલત અને ટોલ વસૂલાતના મુદ્દે દાખલ જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એનએચએઆઇ દ્વારા કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે ભરૂચ-દહિસર હાઈવે પર પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
એનએચએઆઇ નેશનલ હાઇવે ઓથોરિટી ઇન્ડિયા એ કોર્ટને જણાવ્યું હતું કે હાઈવે કિનારે આવેલા અનેક ઢાબાઓમાંથી પાણીના નિકાલ માટે યોગ્ય કેચપીટ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી રોડ પર ભરાઈ જાય છે. જેના કારણે રોડ તૂટી જાય છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત ઢાબાઓ માટે હાઈવે પર ગેરરીતિથી કટ મુકાતા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી હોવાનું એનએચએઆઇએ કોર્ટમાં સ્વીકાર્યું હતું. સાથે જ હાઈવેની બંને બાજુ ટ્રકો પાર્ક થવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટ્રકો અને ટેન્કરોના બિનવ્યવસ્થિત પા‹કગને કારણે સર્વિસ રોડ અને મુખ્ય હાઈવે બંને ઉપર દબાણ વધી રહ્યું હોવાનું જણાવાયું હતું.
આ મામલે હાઇકોર્ટે એનએચએઆઇને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે સ્થાનિક ઓથોરિટી સાથે સંકલન કરીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર દલીલો પૂરતી નહીં પરંતુ મેદાન પર અસરકારક કાર્યવાહી થવી જરૂરી છે.
કોર્ટે વધુમાં આ અરજીમાં સંલગ્ન જિલ્લા કલેક્ટરોને પણ પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યો હતો જેથી જિલ્લા તંત્રને પણ સીધી જવાબદારી સોંપી શકાય. આ મુદ્દે હવે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન થયેલી અગાઉની સુનાવણીમાં પણ ગુજરાત હાઇકોર્ટે ભરૂચ-સુરત અને સુરત-દહિસર હાઈવેની અત્યંત ખરાબ હાલત અંગે ગંભીર ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે અંકલેશ્વરનો પટ્ટો ખાડા અને ખરબચડા રોડથી ભરેલો છે, જેના કારણે વાહનો આગળ વધી શકતા નથી અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે.
હાઇકોર્ટે તે સમયે કડક ટકોર કરતા કહ્યું હતું કે જજ તરીકે જા તેઓ પોતે આ પરિસ્થિતિનો ભોગ બન્યા હોય તો સામાન્ય નાગરિકોને કેટલી મુશ્કેલીઓ પડતી હશે તેની કલ્પના કરી શકાય. કોર્ટે નોંધ્યું હતું કે સ્ટ્રીટ લાઇટ્‌સ બંધ છે, રોડ પર મોટા ખાડા છે અને આવી સ્થિતિમાં ટોલ વસૂલવો યોગ્ય નથી.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ મેઘા જાનીએ દલીલ કરી હતી કે હાઈવે પરની દુર્દશાના કારણે રોજિંદા મુસાફરો, ટ્રાન્સપોર્ટર્સ અને સામાન્ય નાગરિકોને ભારે આર્થિક અને માનસિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ટોલ વસૂલાત છતાં મૂળભૂત સુવિધાઓ અને સલામતી જાળવવામાં નિષ્ફળતા ગંભીર મુદ્દો છે.