વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ અને ૧૧ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સોમનાથમાં અમૃત મહોત્સવમાં હાજરી આપશે. આ ઉપરાંત વડોદરામાં સરદાર ધામનું ઉદ્ઘાટન પણ કરશે.
સંઘવીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી તારીખે રાત્રે જામનગર આવશે. જામનગરના લોકોમાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાતથી ઉત્સવનો માહોલ છે, જામનગરવાસીઓ પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ જામ અને જુસ્સાથી ભરપુર છે. પીએમ મોદી ૧૧મી તારીખે સવારે સોમનાથ અમૃત મહોત્સવ માટે સોમનાથ પહોંચશે. સોમનાથમાં પ્રધાનમંત્રી માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને પૂજા કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી સાંજે વડોદરા પહોંચશે જ્યાં તેઓ સરદાર ધામના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે. ઉદ્ઘાટન સમારોહ બાદ,પીએમ મોદી વડોદરામાં એક રોડ શો યોજશે જે દરમિયાન શહેરવાસીઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે,
૧૧મી મેના રોજ સોમનાથ મંદિરની પ્રસ્તાવિત મુલાકાત પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક્સ પર એક લેખ શેર કર્યો હતો.જેમાં, તેમણે મંદિરના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે, અને સદીઓથી તેનું રક્ષણ અને પુનઃસ્થાપન કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
એકસ પર કરેલી એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “૧૧ મેના રોજ સોમનાથની મારી આગામી મુલાકાત વિશે એક લેખ લખ્યો છે, અને જણાવ્યું છે કે, સોમનાથ અને આપણી સંસ્કૃતિની મહાનતાના સંદર્ભમાં આ દિવસ હંમેશા મહત્વપૂર્ણ કેમ રહેશે. મે તે તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપી છે જેમણે, તમામ પ્રકારના પડકારોનો સામનો કરીને, હંમેશા સોમનાથનું રક્ષણ કર્યું અને તેની ગરિમા પુનઃસ્થાપિત કરી.”
પોતાની પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ તેમની આગામી મુલાકાતને લઈને કહ્યું કે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ડા. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા નવીનીકૃત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેમની આ મુલાકાત થઈ રહી છે.મોદીએ આ વર્ષની શરૂઆતમાં જ સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપવાનું યાદ કર્યું, જે મંદિર પરના પ્રથમ હુમલાની ૧,૦૦૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યું હતું; તેમણે સોમનાથની મુલાકાતને “વિનાશથી પુનરુત્થાન” અથવા “વિનાશથી સર્જન” ની સફર તરીકે વર્ણવી.









































