વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ, તેના વૈશ્વીક પરિણામો અને ભારત-ઈરાન સંબંધો પર વિગતવાર ચર્ચા કરી.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર માહિતી શેર કરતા કહ્યું કે તેમણે તેમના ઈરાની સમકક્ષ સાથે વિગતવાર વાતચીત કરી. તેમણે જણાવ્યું કે બેઠકમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેના પરિણામો પર ચર્ચા થઈ. તેમણે બંને દેશોના પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
જયશંકરે બ્રિક્સ બેઠકમાં ઈરાનની ભાગીદારીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ૨૦૨૬ માં બ્રિક્સનું આયોજન કરી રહ્યું છે, અને આવા સમયે સભ્ય દેશો વચ્ચે વાતચીત મહત્વપૂર્ણ છે. ગુરુવારે અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન પણ થઈ હતી. બંને નેતાઓએ પ્રાદેશિક સ્થિરતા, સહયોગ અને બહુપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બ્રિક્સ બેઠકને સંબોધતા, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિશ્વભરના ઘણા દેશો અમેરિકાના દબાણ અને ધાકધમકીનો સામનો કરી રહ્યા છે, અને હવે બ્રિક્સ દેશો માટે સાથે મળીને જવાબ આપવાનો સમય આવી ગયો છે.
અરાઘચીએ કહ્યું કે આ રૂમમાં હાજર લગભગ દરેક દેશે કોઈને કોઈ સ્વરૂપે અમેરિકન દબાણનો સામનો કર્યો છે. હવે આપણે એક થવું જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે આવી નીતિઓને ઇતિહાસના કચરાપેટીમાં ફેંકી દેવી જાઈએ. તેમણે વધુમાં કહ્યું કે આજે ઘણા દેશો પહેલા કરતાં વધુ નજીક આવી ગયા છે અને બધા એક સામાન્ય પડકારનો સામનો કરી રહ્યા છે. અમેરિકાનું નામ લીધા વિના, અરાઘચીએ કહ્યું કે ક્ષીણ થતા સામ્રાજ્યો તેમના પતનને રોકવા માટે તમામ પ્રયાસો કરે છે.
વિશ્વના ઘણા અગ્રણી દેશોના પ્રતિનિધિઓ ૧૪ અને ૧૫ મેના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહેલી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, આ મંચ વૈશ્વીક રાજદ્વારી સંવાદ અને વ્યૂહાત્મક સંતુલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.










































