ઉના તાલુકાના સનખડા અને સોંદરડી ગામના ગ્રામજનોએ રસ્તા પરથી બાવળ હટાવવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. સનખડાથી માલણ વિસ્તાર થઈ સોંદરડી ગામ તરફ જતા ગ્રામ્ય રસ્તાની જર્જરિત હાલત સુધારવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે. આ રસ્તા પર મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ અને ઝાડી-ઝાંખરા ફેલાઈ જવાથી રસ્તો અત્યંત સાંકડો બની ગયો છે. ગ્રામજનોએ જણાવ્યું કે રસ્તાની ખરાબ હાલતને કારણે ચોમાસા દરમિયાન અવરજવર અત્યંત મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને પશુપાલકો, વિદ્યાર્થીઓ, દૂધ ભરતા વાહનો, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા તેમજ ટ્રેક્ટર સહિતના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ ચોમાસા પહેલાં તાત્કાલિક સર્વે કરી બાવળ તથા ઝાડી-ઝાંખરા દૂર કરવા અને રસ્તાનું સમારકામ કરી તેને પહોળો બનાવવાની માંગ કરી છે.











































