સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે નજીવી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પુત્ર અને પાડોશી વચ્ચે થતા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા પિતા અને માતા પર ત્રણ શખ્સોએ પાઈપ, કુહાડી અને પથ્થરો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે રવજીભાઇ શામજીભાઇ રાઠોડ (ઉ.વ. ૬૦) એ વિજયભાઇ દુલાભાઇ રાઠોડ, દુલાભાઇ પરમાર અને રીંકલબેન દુલાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, રવજીભાઇ અને તેમના પત્ની જયાબેન ઘરે હાજર હતા, ત્યારે ઘરની બહાર મોટેથી બોલાચાલીનો અવાજ સંભળાયો હતો. દંપતીએ બહાર જઈને જોયું તો તેમનો પુત્ર મુન્નાભાઈ અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. માતા-પિતા બંને પક્ષોને સમજાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડ્‌યા હતા. સમજાવટ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના હાથમાં રહેલી લોખંડની પાઈપ વડે જયાબેન પર હુમલો કર્યો હતો. આરોપીએ જયાબેનના માથામાં પાઈપનો ઘા ઝીંકતા તેમને પાંચ ટાંકા આવ્યા હતા. પત્નીને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી (રવજીભાઇ) ને પણ આરોપીએ પાઈપ ફટકારતા કપાળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા.