લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે મોબાઈલ રિપેરિંગના નજીવા પૈસા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રિપેરિંગના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સોએ એક જ પરિવારના સભ્યો પર લોખંડની પાઈપો અને પથ્થરો વડે હુમલો કરી, વાહનોમાં તોડફોડ કરી રૂ. ૨૦,૦૦૦થી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું.જગદીશભાઇ જાદવભાઇ હાડગરડા (ઉ.વ. ૨૮) એ વિપુલભાઇ કડવાભાઇ સોહલા, કડવાભાઇ નોંઘાભાઇ સોહલા તથા ભાવેશભાઇ કડવાભાઇ સોહલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીના નાના ભાઈની મોબાઈલ રિપેરિંગની દુકાન પર આરોપીના ટ્રેક્ટર ડ્રાઈવરે ફોન રિપેર કરાવવા આપ્યો હતો. મોબાઈલ રિપેર થઈ ગયા બાદ જ્યારે ફરિયાદીના ભાઈએ રિપેરિંગના પૈસાની માંગણી કરી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ ફરિયાદીના ભાઈને ગાળો આપી બે-ચાર થપાટ ઝીંકી દીધી હતી.આટલેથી ન અટકતા, જ્યારે ફરિયાદી અને તેમના ભાઈ ઘર પાસે ઉભા હતા, ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવી બીભત્સ ગાળો બોલી પથ્થરમારો શરૂ કર્યો હતો. લોખંડની પાઈપો વડે ફરિયાદી અને તેના ભાઈ પર આડેધડ પ્રહાર કર્યા હતા. આ ઝઘડામાં વચ્ચે પડેલા સાક્ષી ભનુબેનને પણ આરોપીઓએ પાઈપના ફટકા મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ માત્ર શારીરિક ઈજાઓ જ નહીં, પરંતુ પથ્થરમારો કરી ફરિયાદીના વાહનોના કાચ તોડી નાખ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ વાહનોમાં અંદાજે રૂ. ૨૦,૦૦૦થી વધુનું નુકસાન થયું છે. હુમલો કર્યા બાદ આરોપીઓએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.









































