અમરેલી શહેરમાં વધુ એક ઘરેલુ હિંસાનો મામલો સામે આવ્યો છે. વર્ષ ૨૦૦૭થી લગ્નગ્રંથિથી જોડાયેલા એક પરિણીતાને તેના પતિ અને દેરાણી દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી, મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.નસીમબાનુ યાકુબઅલી સૈયદે પતિ યાકુબઅલી હુસેનમીયા સૈયદ તથા દેરાણી અફસાનાબેન મુસ્તાકઅલી સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના નિકાહ ૧૯ વર્ષ પહેલા યાકુબઅલી સાથે થયા હતા. લાંબા લગ્નજીવન બાદ પણ છેલ્લા કેટલાક સમયથી પરિણીતાને તેના પતિ અને દેરાણી દ્વારા ઘરકામની નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.પરિણીતાનો કોઈ વાંક ન હોવા છતાં બંને આરોપીઓ વારંવાર ઝઘડો કરી મેણાટોણા મારતા હતા. બે દિવસ પહેલા આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આક્ષેપ મુજબ, પરિણીતાના પતિએ તેમને બિભત્સ ગાળો આપી, ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. સાથોસાથ આરોપીઓએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગંભીર પ્રકારનો માનસિક ત્રાસ પણ ગુજાર્યો હતો. વારંવારના ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી.








































