અમરેલીમાં ઉછીના પૈસાની માગણી બાબતે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ગાળાગાળી કરી લોખંડની પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે ભોગ બનનાર યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અલ્ફાજભાઇ સીદીકભાઇ નાગરીયા (ઉ.વ.૬૧) એ એજાજ ભાડુલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીને પૈસાની જરૂર હોવાથી તેણે ફરિયાદી પાસે ઉછીના નાણાં માંગ્યા હતા. જોકે, તે સમયે ફરિયાદી પાસે રકમ ઉપલબ્ધ ન હોવાથી તેમણે પૈસા આપવા માટે અસમર્થતા દર્શાવી હતી.આ સાંભળતા જ આરોપી મિજાજ ગુમાવી બેઠો હતો અને હિંસક બની ગયો હતો. આરોપીએ સૌપ્રથમ બિભત્સ ગાળો આપી અને ત્યારબાદ લોખંડની પાઈપ વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી ફરિયાદીના ડાબા હાથના બાવડાના ભાગે ઝીંકી દીધી હતી. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતા હાથના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. વી. લંગાળિયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.