સામાજિક કે અંગત અદાવતમાં ફોન પર આપવામાં આવતી ધમકીઓ ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ધારીમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓ દ્વારા સતત આપવામાં આવતી જાનથી મારી નાખવાની ધમકીઓ અને ગાળાગાળીથી વ્યથિત થઈ એક યુવતીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ હતી.આ બનાવ અંગે યુવતીએ ગુંદરણના ભરતભાઇ વિનુભાઇ ઉગરેજીયા તથા આંબા કણકોટના અશ્વિનભાઇ બચુભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓ ફોન પર વારંવાર બિભત્સ ગાળો આપતા હતા. આરોપીઓએ માત્ર યુવતીને જ નહીં, પરંતુ સાહેદોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ અત્યંત આઘાતમાં આવી એસિડ પી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.









































