રાગ – વૈરાગ – ૨૨
‘મળીશું ક્યારેક, એવા એંધાણે…ને, એવા જનમ જનમના સંબંધે આવતે ભવ..!!બોલ્યું ચાલ્યું માફ કરજો અને ક્યારેક યાદ કરજો…કરતાં કરતા..વલવલતા બન્ને હૈયા. દૂર.. દૂર…દૂર થઈ ગયા.( આ ઘટનાને પચ્ચીસ પચ્ચીસ વર્ષના વહાણા વાઈ ગયા છે. જાણે એક યુગ પસાર થઈ ગયો છે. આ દરમિયાન મને – કમને બંને માં બાપની લાગણીને ખાતર પરણ્યા તો છે.પણ એકબીજાને એક પળ પણ ભૂલ્યા નથી. કે ક્યારેય એકબીજા મળ્યા નથી.પણ એ ક્યાં હશે? એ શું કરતી હશે? શું કરતો હશે? એ પોતાના જીવનમાં સુખી તો હશે ને? કે પછી…એવા કેટલાય સવાલો બંનેને પજવી રહ્યા હતા.. મન તો દોડીને એની પાસે પહોંચી જવા આકુળવ્યાકુળ છે.પણ અસલી જિંદગીમાં તેની સાથે જોડાયેલા પાત્રને ખબર પડશે તો જીવતરમાં ઉથલપાથલ થઈ જશે.એક તોફાન આવશે ,એક આંધી આવશે એવા ડર ને કારણે મળી શક્યા નથી.અને પચ્ચીસ વરસના અંતરાલ પછી… આનંદ અને રૂપા બંને જણા કઈ રીતે મળે છે.તે કુદરતની લીલાને આગળ નિહાળીએ)
જગ ઉજાવણહાર સૂરજ-દાદાએ ઊગીને હરદ્વારની ભૂમિ ઉપર ડોકિયું કર્યું અને તેમનાં કેસરીયાળાં કિરણોએ, વહેતી જતી ગંગામૈયાના બે કાંઠે પૂરપાટ વહેતા પવિત્ર પ્રવાહમાં ડોકિયું કરીને પછી પોતાના તનમન પવિત્ર કરી લીધા. જાણે સૂરજદાદા ગંગા મૈયાના પ્રવાહમાં એક ડૂબકી મારીને પાછાં આકાશમાં જતા રહ્યાં.ગંગામૈયાનો કાંઠો જાણે સૂરજદાદાના આગમનથી ઝળાહળા થઈ ઉઠયો.
કલકલ કરતા અને ધીમું ધીમું ગૂંજન જેવુ ગર્જન કરતા ગંગામૈયાનાં નાદથી ગંગાને કાંઠેથી થોડે જ દૂર ઊભેલી કચ્છી સમાજની ધર્મશાળામાં સૂતેલા આનંદની આંખ ઉઘડી ગઈ. તો કાનમાં દર્શનાર્થીઓનાં યાત્રાળુઓનાં, ધર્મશાળામાં ઉતરેલા અને બહાર જતાં આવતાં લોકોનો કલબલાટ કાને પડ્‌યો. તે ચમકીને ઊભો થઈ ગયો. તો ભાવિકો “હર… હર… ગંગે…” “હર હર ગંગે.” “જય મા ગંગા…” “જય ગંગામૈયા’’નો પવિત્ર જયઘોષ કરી રહ્યા હતા.
આંખે ચશ્મા ચડાવી પડખે રહેલી ટિપોય ઉપર પડેલી કાંડા ઘડિયાળમાં જોયું તો ‘અરે. આઠ વાગી ગયા કે શું? અરે… બહુ મોડું થઈ ગયું…’ એ બબડી ઉઠયો.
અર્ધખુલ્લી બારીમાંથી તે ગંગાનદીને તાકી રહ્યો. હૈયું પુલકિત થઈ ઉઠ્‌યું. કેટલા વરસોથી આવવું આવવું કરતો હતો પણ આમને આમ જીવતરની જાતરા છેક અડધે રસ્તે સુધી પહોંચી ગઈ છતા અંજળ નહોતું આવ્યું..! આમને આમ પચાસ વરસ, પૂરા થઈ ગયા, ને હવે ગયા મહિનાની અઢારમી તારીખે પોતે ‘વન’ માં પ્રવેશ કર્યો હતો.એ મનોમન હસ્યો ઃ ‘વન પ્રવેશ..! જયાં મોર, પોપટ ને કોયલ હવે ટહુકવાના હતા. વનમાં તો એવું જ ને? પણ બીજી જ પળે તેનાં સૂકકાં વેરાન વગડા અને ધગધગતા રણ જેવા હૈયામાંથી ફળફળતો નિઃશ્વાસ સરી પડ્‌યો.
‘અરે…જ્યાં કદિ કોઈ દિવસ વસંત કે બહાર આવી જ નથી, જયાં ઠૂંઠું થઈ ગયેલી લાગણીઓ છે, જ્યાં પોતાના સપનાં ચૂલાની રાખ થઈને જીવતરના આંગણામાં ઉડયા કરે છે, ત્યાં હવે મોર પોપટ બોલે તો શું બોલે?-રાખ બોલે?ઝાડવું હવે નંખાઈ ગયું હોય, પડું પડું થઈ ગયું હોય, ઠૂંઠું બની ગયું હોય એવા ઝાડ ઉપર કોયલ બોલે તો એ ગીત, ગીત ન હોય પણ જીંદગીનાં મરશિયા જ હોય! અને એવા ઠૂંઠા ને તમે ગમે એવા ને ગમે એટલા ખાતર નાંખો, પાણી પીવડાવો તોય પણ એની ઉપર કદી કૂંપળ ફૂટવાની જ નથી! અરે ! જયાં સંવેદનાઓ જ વસુકી ગઈ હોય એવી ખોટી પડી ગયેલી રગમાં લાગણીનાં ગમે એટલા ઈન્જેક્શન આપો તોય એ સંવેદનાઓ કે જે
મૃત્યુ પામી ગઈ છે એ ઉર્મિઓ પુનઃજીવિત બની શકવાની નથી. અને પૂજા એમ કહે છે કે પપ્પા! તમે….
– અચાનક પૂજા યાદ આવી ગઈ. વહેલી સવારે ચાર વાગ્યે તેની બહેનપણીઓ અને ફ્રેન્ડઝ સાથે મસૂરી જવા નીકળી ગઈ હતી. જતાં જતાં બારણું બંધ કરાવતી ગઈ હતી. એ પહેલાં, પોતાને ખૂબ જ આગ્રહ કરી રહી હતી કે પપ્પા, તમે પણ ચાલોને… મજા આવશે !
– એકવાર મસૂરી જુઓ. એકવાર મસૂરીનો નયનરમ્ય નઝારો માણો ! બસ એકવાર પપ્પા…
એણે હસીને ના પાડી હતી. ના દીકરા, હવે એ બધું…અને આ ઉંમરે??
‘‘શું પપ્પા તમેય પણ? એ છણકો કરી બેઠી હતી. ,’’ આ ઉંમર એટલે કેવી ઉંમર? તમને પચાસ થયા છે ખાલી! તમે કાંઈ વૃધ્ધ નથી થઈ ગયા! પણ ના, ઉંમરની ગાંઠ ઉપર ગાંઠ મનમાં ને મનમાં વાળતા જ જાવ છો. ઉંમર થઈ ગઈ છે મને ઉંમર થઈ ગઈ છે. શું ધૂળ ઉંમર થઈ ગઈ છે? એ મનમાં ને મનમાં મલકાતો રહેતો. અને એ ગુસ્સે થઈ ગઈઃ
– ઉંમર શરીરને ત્યારે જ લાગે છે. જયારે તમે નક્કી કરી લો છો કે મને ઉંમર થઈ ગઈ છે. સમજ્યા?
એના છણકા માળાના મણકા જેવા હતા. એક પછી એક ફરતા રહેતા. એ અવારનવાર આનંદને કહેતી ઃ “ઉંમર ઉંમર કરીને તમે પોતે જ તમારા જીવનને કૃશ, નિરૂત્સાહી અને ખંડેર જેવું બનાવી દીધું છે! અરે, હજી તમારી ઉંમર ક્યાં થઈ જ છે? પચાસ વર્ષે તો માણસ નવેસરથી જીંદગી જીવતા શીખતો હોય છે.
તમે મહાન પુરૂષો, રમતવીરો, ક્રિકેટરો અને એવી મહાન હસ્તિ- વિભૂતિઓનાં જીવનચરિત્રો વાંચો, કે એ લોકો એ પચાસ વર્ષે તો લાઈફની બીજી ઈનિંગ્સ રમવાની શરૂ કરી છે. અને તમે? … ઉફફ્‌ફ ! પપ્પા… પપ્પા… તમને પપ્પા! એક વાત કહુ?
‘હા બોલ.’
‘ પપ્પા, તમે પપ્પા તરીકે બેસ્ટ છો. અનબીટન છો. પણ તમારામાંથી કંઈક શીખવું હોય કે તમારામાં થી કશું પણ ઈન્સ્પાયર કરવા જેવું હોય તો એવી વ્યક્તિ તરીકે જીરો છો.’
જવાબમાં એ હસતો,‘ હવે મારે કશું શીખવું નથી. ફૂલસ્ટોપ જીંદગી જીવુ છું અને ખર્યું પાન છું. બેટા! અભિપ્સાઓ કોઈ રહી નથી. બસ એક માત્ર ઈચ્છા છે, એક બાપના અરમાન છે કે મારી દીકરીને સમજી શકે એવો પતિ- એક પુરૂષ મળી જાય પછી બીજી જ ક્ષણે મને બોલાવી લે, તો પણ હું મોક્ષ જ પામીશ.’
‘વ્હોટ રબીશ..’ એ ગુસ્સે થઈ જતી. અને પગ પછાડતી બહાર નીકળી જતી.અહીં તેને ખેંચી લાવવાનું મહાભિનિષ્કમણ પણ તેણે જ આદરેલું!
આમ તો છેલ્લા ત્રણ વર્ષથી તેને આવવું હતું. પણ યેનકેન પ્રકારણે આવી શકાતું નહોતું. ઘણી બધીવાર એમ થઈ પણ જતું કે આ બધું જ છોડીને હરીદ્વારની ગાડીમાં બેસી જાઉ પણ પોતે કેન્દ્રવર્તી શાળાનો આચાર્ય હતો અને હાથનીચે પંદર શિક્ષકોનો સ્ટાફ હતો. વળી, સરકારની કેટલીયે કામગીરી શિક્ષકોને સોંપાતી હતી અને એમાં ના પાડવાથી કે છટકી જવાથી નોકરીમાં કંઈ કેટલાય સવાલ ઊભા થતા હતા પણ આ વખતે પૂજાએ માંદગી સબબની રજા જ લેવડાવી દીધી હતી. હમણાંથી પંદરેક દિવસથી તાવ આવતો હતો. અને એમાંથી કમળાની અસર બહુ તીવ્રપણે થઈ હતી. પૂજા તેને ર્ડા. પરીખ પાસે લઈ ગઈ હતી અને પછી એક મહીનાનું સીક લીવ સર્ટીફિકેટ લખાવડાવી લીધું હતું.
ડા. પરીખે હસી પડતાં કહેલું કે બેટા, તારા પપ્પાને એટલી બધી રજાની જરૂર નથી ત્યારે તેણે ડાક્ટરને કહેલું કે સર, મારા પપ્પાને…કમળાની દવાની જરૂર નહીં પણ સારી મનો ચિકિત્સાની જરૂર છે…. અને પછી આખી હિસ્ટરી ખોલી નાખી હતી. કહ્યું હતું કે સર, લાઈફની અડધી નવલકથા તેમની પૂરી થઈ ગઈ છે છતાં પણ તેમણે હરીદ્વાર રેલ્વે સ્ટેશનનું પાટીયું પણ નથી જોયું. ડિપ્રેશન ,ઉદાસી તેમને દિનપ્રતિદિન નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છે. એટલે પ્લીઝ, જો તમે સીક લીવ સર્ટી આપો તો જ આ મારા બાપ નોકરીની જવાબદારીની જળોજથ્થા મૂકીને આવે. હું એમને પુરો એક મહીનો બધે ફેરવવા લઈ જવાની છું. હરિદ્વાર, મસુરી, નૈનિતાલ, સીમલા. બધું જ બતાવી દેવું છે.” ડા. પરીખ તેની સામે હસતા હસતા તાકી રહ્યા હતા કે અચાનક તેણીની આંખોમાં ભીનાશ તરવરી ઉઠી.ઃઆમ તો હું છું ત્યાં સુધી જ ને…પછી તો…!
**
આનંદને અત્યારે બધું યાદ આવી ગયું. અને આનંદની આંખોમાં પણ ભેજ છવાઈ ગયો. દીકરો ભલે ન આપ્યો પણ સાત દીકરાની માટી ભાંગીને ભગવાને એક દીકરી ઘડી. અને એ મારા ખોબામાં આપી છે!!
એણે રૂમના બારણા પ્રતિ જોયું. વહેલી સવારે ગઈ ત્યારેય ઘણાં ધમપછાડા કરીને ગઈ હતી. પણ આનંદે શાંતિથી દીકરીનાં માથામાં વ્હાલપથી હાથ ફેરવતાં કહ્યું હતું કે બેટા, હું તારી ઈમોશન્સ, તારી લાગણી, તારો પ્રેમ, તારા લાડને સમજું છું પણ તમે લોકો હમઉમ્ર છો. બધા જ મિત્રો વીસ-બાવીસ-પચ્ચીસ વર્ષના પરિધમાંથી પસાર થઈ રહ્યા છો અને તમારી વચ્ચે એક માત્ર હું! તને ખબર ન હોય, પણ જે એન્જોય તારા મિત્રો સાથે તું એકલી હોઈશ ને તું કરી શકીશ એવો એન્જોય ,એટલો આનંદ, કે એટલો એવો એન્જોય મારી હાજરીમાં નહીં તું કરી શકે, કે નહીં તારા મિત્રો કરી શકે.! તારે મન હું તારા પપ્પા છું. અને મને ખ્યાલ છે, કે તારો પપ્પો તારો દોસ્ત પણ છે. પણ તારા મિત્રો છે, એ હજી મારા દિલ સુધી નથી પહોંચ્યા. અને એને માટે હું એક વડીલ છું. એટલે બેટર એ છે કે તું જા, ખુશીથી જા, અને આનંદથી જા…!જ્યારે તું ફરીને આવીશ ત્યારે કેમેરામાં લીધેલા ફોટા તું મને બતાવીશ, એની કોમેન્ટ્રી આપીશ, વાતો કરીશ ત્યારે મને એમ જ થશે કે હું તારી સાથે જ હતો બસ?
-એ બાર્બી ડોલ હતી.ભલે બાવીસની હતી. પણ ફોસલાવીને સમજાવવી પડે એમ હતી. એટલે મને-કમને પણ માની.’ પણ એ મા પણ હતી. દીકરી પણ હતી. એ પૂજાનું ફૂલ હતી. જેના આગમનથી આનંદની સૃષ્ટિ, આનંદની દુનિયા મહેંકી ઉઠતી હતી! એ છતા એ જતી વખતે છણકો કરીને જ ગઈ. દાઢી ખેંચીને ગઈઃ નાના છોકરા જેવા જ અનાડી છો પપ્પા ! તમને નહી જ પહોંચાય… અને લાંબુ ચૌડુ ભાષણ આપીને ગઈ. (ક્રમશઃ)