રાજય સરકારે ‘જ્યાં જનતા ત્યાં સુવિધા’ના મંત્રને સાર્થક કરતા શિક્ષણ ક્ષેત્રે એક નવી પ્રગતિશીલ દિશા પકડી છે. રાજ્યના નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાથમિક શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રોને સુવિધા સજ્જ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ નેમ હેઠળ, રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસોથી અમરેલી અને કુંકાવાવ તાલુકા માટે રૂ. ૮,૯૬,૩૨,૦૦૦/- ની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ અમરેલી તાલુકાના ૧૬ અને કુંકાવાવ તાલુકાના ૨૦ એમ કુલ ૩૬ ગામોમાં નવા આંગણવાડી ભવનોનું નિર્માણ થશે. આધુનિક અને અદ્યતન સવલતો ધરાવતા એક મકાન પાછળ અંદાજે રૂ. ૨૫ લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પહેલથી બાળકોને ભણવા માટે યોગ્ય વાતાવરણ મળશે અને ગ્રામીણ સ્તરે શિક્ષણની સુવિધા વધુ સુદ્રઢ બનશે. રાજ્ય સરકારના આ જનકેન્દ્રી અભિગમથી શિક્ષણરૂપી નીવ વધુ મજબૂત બની છે, જે રાજયના સર્વાંગી વિકાસમાં પાયાનું યોગદાન આપશે.









































