(૧) ભગવાન માણસને કપાળ પર નામ લખીને જ મોકલતા હોય તો?
દર્શન પટેલ (વડોદરા)
પેલા એવું વિચારેલું પણ પરસેવામાં નામ ભૂંસાઈ જાય છે. એટલે આખો પ્રોજેક્ટ પડતો મૂક્યો.
(૨)કેટલી ઉંમર સુધી ઠેકડા મરાય?
રામભાઈ પટેલ (સુરત)
ગામ ઠેકડી ન કરે ત્યાં સુધી.
(૩)દવાખાને બતાવવા જઇએ છીએ ત્યારે ડોક્ટર કેમ પૂછે છે કે શું થાય છે. ?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
એમ પૂછવાના એને પૈસા મળે છે.
(૪) બેંકમાંથી તો નોટો સીધી આવે છે તો નોટોને વાળવાનું કામ કોણ કરતું હશે?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
નોટો જાતે જ એક હાથમાંથી બીજા હાથમાં ફરી ફરી ને ગોટો વળી જાય છે.
(૫)ચમચાગીરી ક્યારે કરાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા )
અત્યારે જ ચાલુ કરી દો. ત્યાં કેનેડામાં ચમચાગીરી એટલે શું એ કોને ખબર પડવાની!
(૬)સાહેબ..! શું લેખકોમાં હવે કેરિયર છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
સાઇકલ પણ નથી.
(૭)વેકેશનમાં મમ્મી અને છોકરા મામાને ઘરે રહેવા જાય તો પપ્પાને ક્યાં જવાય?
કમલેશભાઈ મકવાણા (બોડેલી)
છોકરાંના મામાને ઘરે.
(૮)આ ટ્રમ્પ અને ખામનેઇનું સમાધાન કરવા તમારે અમને સાથે લઈને ત્યાં જવું જોઈએ કે નહિ ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
સમાધાન માટે જવાનું છે કે થયેલું સમાધાન તોડવા માટે?
(૯)સાહેબ..! સત્તાનું બળ કેવું હોય છે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
તમને હું એકેય બાજુથી ગ્રામ પંચાયતનો ચૂંટાયેલો સભ્ય લાગુ છું?!
(૧૦)કાલ ક્યારે આવશે?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
આજ જાય પછી.
(૧૧)જમતી વખતે નવા જમાઈના ગળામાં રીંગણાનું ગરમ ફોડવું અટકાઈ જાય તો જમાઈએ શું કરવું જોઈએ ?
કનુભાઈ પરમાર (દામનગર)
જૂના જમાઈને પકડ લઈ ને ફોડવું પકડવા મોકલવો.
(૧૨)પરણેલી સ્ત્રી સિંગાર કરે છે તો પુરુષ?
કટારીયા આશા હિમ્મતભાઇ(કીડી)
એ કાઈ ન કરે તો પણ ખબર પડી જાય છે કે એ પરણેલો છે.
(૧૩)આવા ધોમ તાપમાં વરના ઘોડાનો શું વાંક?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
વાંક તો વરના જોડાનો પણ નથી હોતો તોય એની ખેંચાખેંચી થાય છેને!
(૧૪)બંગાળના ચૂંટણી પરિણામો વિશે શું કહેશો?
જય દવે (ભાવનગર)
ઘણુંય કહીશ. પેલા મારી આગળ માઇક મૂકો.
(૧૫)દર વખતે પ્રશ્ન કરનારનું સન્માન કરવા માગો છો?
અશોકભાઈ જોશી (લીલીયા મોટા)
હા, તમે પુરસ્કાર અને જમણવારમાં દાતા બની જાઓ તો વિચારીએ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































