પશ્ચિમ બંગાળ, તમિળ નાડુ, કેરળમ્, આસામ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ચાર મે એ આવી ગયાં. આ લેખકે પ. બંગાળના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ ૯૧ ટકા આસપાસ મતદાન જોયા પછી લખ્યું હતું, ‘પોરિબોર્તન નિશ્ચોય હોબે’. પરિવર્તન નક્કી થશે જ. અને થયું જ. પશ્ચિમ બંગાળમાં છેલ્લા જાહેર આંકડા મુજબ, ભાજપે ૨૯૪માંથી ૨૦૭ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. તૃણમૂલને ૮૧ અને ડાબેરી-કાંગ્રેસને બે-બે સહિત અન્યોને છ બેઠકો પ્રાપ્ત થઈ છે.
આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું ‘આઆપ કો રખે આગે’ પ્રકારનું નહીં પણ ખરેખર તટસ્થ વિશ્લેષણ કરીએ તો, કાંગ્રેસ મજબૂત થઈ છે. પ્રાદેશિક પક્ષોનો રકાસ થયો છે. તૃણમૂલ કાંગ્રેસ, સીપીએમને ગેરફાયદો થયો છે. આના પરિણામે વિપક્ષોમાં રાહુલ ગાંધીની બોલબાલા વધશે. કેરળમ્માં કાંગ્રેસનો વિજય થયો છે. તેને, ભાજપ જેમ નીતિન નવીનના ખાતે વિજયને ખતવે છે, તેમ મલ્લિકાર્જુન ખડગેના ખાતે નહીં ખતવાય. તેને રાહુલ ગાંધીના ખાતે ખતવશે. અને સામા પક્ષે ભાજપ પણ આ પાંચ રાજ્યોનાં પરિણામ સાથે કહે છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાંગ્રેસ સો વાર હારી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ પાંચ રાજ્યોમાં સનાતના ઘોર વિરોધી પક્ષો હતા તેમનો પરાજય થયો છે.
પ. બંગાળમાં હિન્દુઓની કેવી અવદશા વિતેલાં પંદર વર્ષમાં, અને તેમાંય ૨૦૧૪ પછી થઈ હતી, તેના વિડિયો એક પછી એક આવી રહ્યા છે. મંદિર બંધ હતાં તે ખુલી રહ્યા છે, લોકો વિના ડરે જય શ્રી રામ અને મા દુર્ગાનો જય ઘોષ કરી રહ્યા છે. સડક પર ફરી રહ્યા છે. આ ભાજપનો વિજય નથી, અંગ્રેજોના શાસન પછી આ પહેલી વાર હિન્દુ મતદારોનો વિજય છે. ભારતને અને તેથી પ. બંગાળને ભલે ૧૯૪૭માં સ્વતંત્રતા મળી ગઈ, પરંતુ હિન્દુઓ માટે ખરી સ્વતંત્રતા તો ૪ મે ૨૦૨૬ના દિવસે મળી હોય તેમ લાગે છે.
નરેન્દ્ર મોદીનો હેલિકાપ્ટરમાં કડક ઇન્ટરવ્યૂ કરનાર, એનડીટીવીના (હવે પૂર્વ) પત્રકાર વિજય ત્રિવેદી હવે સ્વીકારે છે કે આપણે (એટલે કે આ આપ કો રખે આગે પ્રકારના) વિશ્લેષકો આપણે જે મનમાં ધારેલું હોય તે જ જોવા માંગીએ છીએ. એટલે કે પ્રમેયમાં સાબિત શું કરવાનું છે તે પહેલેથી આપણા મનમાં નક્કી જ હોય છે. પછી તેને સાબિત કરવા (આ વિજય ત્રિવેદીએ નથી કહ્યું, પરંતુ ગુજરાતના સાબિત થયેલા પ્રમેય પરથી આ લેખક કહે છે) સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ કરે છે. સ્થળ પર જવા છતાં આપણને એ દેખાતું નથી કે પવન કોના તરફી છે.
પ. બંગાળમાં મમતા બેનર્જીએ ઔરંગઝેબનું શાસન સ્મરણમાં આવી જાય તેવું કર્યું. તેમનો પરાજય થયો. તમિળનાડુમાં દ્રમુકના ઉદયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ કહ્યો. તિરુપ્પરનકુંદ્રમમાં ઉચ્ચ ન્યાયાલયના આદેશ છતાં હિન્દુઓને પૂજા કરવા ન દીધી. વક્ફ બાર્ડે હિન્દુ બહુમતીવાળાં સાત ગામોને વક્ફ સંપત્તિ જાહેર કરી દીધાં હતાં. કેરળમ્માં સબરીમાલામાં હિન્દુઓની આસ્થા વિરૂધ્ધ માસિકની વયની સ્ત્રીઓને પૂજાની અનુમતિ આપવા ડાબેરીઓએ ધમપછાડા કર્યા હતા. પરંતુ ત્યાંની સ્થાનિક હિન્દુ જનસંખ્યાએ વિરોધ કર્યો તેથી કારી ન ફાવી અને ચૂંટણીમાં પણ ડાબેરીઓની કારી ન ફાવી. આસામમાં હેમંત વિશ્વ શર્માના હિન્દુવાદી શાસનના કારણે ભાજપનો ફરી વિજય થયો.
આમ, આ પરિણામો બતાવે છે કે તમે સનાતનના વિરૂધ્ધ જશો તો ફેંકાઈ જશો. હવે હિન્દુ મતદાર
જાગૃત થઈ ગયો છે.
આ પરિણામોનું બીજું પાસું જે ક્યાંય ચર્ચામાં નથી અને તે છે કે મોદીજીનો જાદુ. ૨૦૨૪ની ચૂંટણીમાં ૨૪૦ બેઠક પછી કેટલાક નિર્ભય રીતે ખડખડાટ હસીને જમાવટ કરતા હતા કે દિલ્લીમાં કહે છે કે મોદીને પાછા ગુજરાત લઈ જાવ. પરંતુ નરેન્દ્ર મોદી દેવહુમા પક્ષી જેવા છે. જ્યારે-જ્યારે થોડો પણ ધક્કો વાગે છે, તરત જ ધ્યાન-તપ-પરિશ્રમ કરીને જબરદસ્ત બેઠા થાય છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્લી, બિહાર, અને હવે પ. બંગાળ સહિતનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે ભવ્ય દેખાવ કર્યો છે. ભાજપે સંઘ સાથે ચૂંટણી સંદર્ભે અને અન્ય વૈચારિક મુદ્દાઓ પર સંબંધો સુધારી લીધા લાગે છે. સંઘ પણ જાણતો હતો કે પ. બંગાળની ચૂંટણી આ વખતે ‘કરો કે મરો’ની છે.
પ. બંગાળમાં તેણે ખૂબ મહેનત કરી હિન્દુ મતદારોને મતદાન કરવા પ્રેર્યા છે. તેના સ્વયંસેવકો ભાજપમાં કાર્યરત્ હતા. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સંઘે ભાજપને સાથ આપ્યો છે. બિહારમાં નીતીશકુમારે ત્યાગપત્ર આપી સંસદનો માર્ગ પકડતાં અને આમ પણ પ્રથમ ક્રમનો પક્ષ હોવાથી મુખ્ય પ્રધાન પર અધિકાર ભાજપનો જ હતો, તેથી હવે ભાજપની ત્યાં મુખ્ય પ્રધાન પદવાળી સરકાર બની છે.
આ ચૂંટણીમાં એ પણ જોયું કે મોદી જેને હાથ લગાડે છે તે ચીજનું વેચાણ પણ કેટલું વધી જાય છે. ઝાલમુડી તેનું નવીન ઉદાહરણ છે.
શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં નવી પેઢીએ રસ્તા પર આંદોલન કરી, સ્થાપિત સરકારને ઉખાડી ફેંકી હતી. રાષ્ટ્રપતિના ભવનમાં તેઓ ઘૂસી ગયા હતા અને તસવીરો પડાવી હતી. આથી ભારતમાં પણ આવું થશે તેવું સ્વપ્ન વિપક્ષો અને તેમનાં ‘વાજિંત્રો’ જોતાં હતાં. પરંતુ આ જેન-ઝીએ અલગ રીતે સરકારો ઉખાડી ફેંકી. પ. બંગાળમાં મમતાની, તમિળનાડુમાં ડીએમકેની અને કેરળમ્માં ડાબેરીઓની. તમિળનાડુમાં ન દ્રમુક, ન અન્નાદ્રમુકને તેમણે પસંદ કર્યો. તેમણે નવીન ચહેરા- જોસેફ વિજયને પસંદ કર્યો.
કેટલાક કલમઘસુઓ કહે છે કે નરેન્દ્ર મોદી માર્કેટિંગના જોરે ચૂંટણી જીતે છે. આ વાત તમિળનાડુ અને કેરળમ્માં ખોટી પડી છે. તમિળનાડુમાં જોસેફ વિજયે ઇન્ટરવ્યૂ આપ્યા જ નથી, રાડ શા વગેરેમાં પણ બહુ ઓછું બોલ્યા. જમીન પર કામ વધુ કર્યું. સાચા મુદ્દા ઉઠાવ્યા. કેરળમ્માં પિનરાઈ વિજયનનો અમેરિકાના પ્રમુખની ચૂંટણી પ્રકારે પ્રચાર કરાયો. ઘણો ખર્ચો કરાયો. તો પણ તેમના મોરચાનો પરાજય થયો.
આ ચૂંટણીનાં પરિણામોએ દિલ્લીના ચૂંટણી પરિણામોએ પણ સાબિત કર્યું કે મતદારો હવે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની નકલી સાદગી, ગરીબ દેખાવાના ઢોંગથી મતદારો છેતરાતા નથી. મમતા બેનર્જી ચોળાઈ ગયેલી સાદી સાડી અને સ્લિપર પહેરે કે કેજરીવાલ ચેક્સવાળો, પેન્ટમાં ખોસ્યા વગરનો શર્ટ અને પેન્ટ પહેરે, ઓબામા આવે ત્યારે પણ સ્લિપર પહેરીને મળવા જાય તેનાથી હવે મતદારો પ્રભાવિત થતા નથી. તેમને તેમના ભ્રષ્ટાચારની વાતો ખબર પડે છે અને એટલે તેઓ તેમની સાદગીથી હવે છેતરાતા નથી. તમિળનાડુમાં જોસેફ વિજયની સંપત્તિ અંદાજે ૬૦૦ કરોડની છે.
આ પાંચેય રાજ્યોમાં પરિણામોએ એ પણ બતાવ્યું છે કે ચૂંટણી પંચ મતદાર સૂચિ પુનર્વલોકન કરીને નકલી મતદારો, ડુપ્લીકેટ મતદારો, મૃતક મતદારોને દૂર કરે, કેન્દ્રીય જવાનો જો નિયુક્ત હોય તો પરિણામ શું આવે છે. કેન્દ્રીય જવાનો મૂકવામાં આવે, રાજ્ય સરકારના માનીતા પોલીસ અધિકારીઓને ખસેડી દેવામાં આવે તો શું પરિણામ આવે છે. પ. બંગાળમાં ગુંડાગીરીના જોરે જ પહેલાં ડાબેરીઓ અને પછી મમતા બેનર્જી ચૂંટણી જીતતા હતા. કેરળમ્માં ડાબેરીઓએ રાજકીય હિંસા કરવામાં કોઈ ખામી છોડી નહોતી. માત્ર સંઘ-ભાજપના જ નહીં, કાંગ્રેસ અને ક્યારેક તો પોતાના મોરચાના અન્ય પક્ષોના નેતાઓને પણ શિકાર બનાવ્યા હતા. આ વખતે ચૂંટણી થઈ ગઈ તે પછી પણ તમે જુઓ કે ભાજપના મુખ્ય પ્રધાન પદના દાવેદાર અને મમતા બેનર્જીને સતત બીજી વાર હરાવનાર જાયન્ટ કિલર શુવેન્દુ અધિકારીના અંગત સચિવ ચંદ્રનાથ રથની હત્યા કરી દેવાઈ. પરંતુ ચૂંટણી પંચની અને કેન્દ્રીય જવાનોની કડકાઈના લીધે પ. બંગાળની પહેલી એવી ચૂંટણી હતી જેમાં એક પણ વ્યક્તિની હત્યા ન થઈ. અગાઉની ચૂંટણીઓમાં બામ્બ પણ ફૂટતા હતા. આ વખતે તેવું ટાળી શકાયું છે.
ટી. એન. શેષનની જેમ જ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમાર આ માટે સર્વોચ્ચ અભિનંદનના અધિકારી છે.
એક અન્ય નોંધવા જેવી બાબત એ પણ છે કે મહિલા મતદારોનું મતદાનનું પ્રમાણ જેમ-જેમ વધતું જાય છે તેમ-તેમ આ સ્થાપિત વિપક્ષોને ફટકો પડી રહ્યો છે. પ. બંગાળમાં મોટા પાયે મહિલા મતદારોએ મતદાન કર્યું. કેરળમ્મમાં પુરુષો કરતાં મહિલાઓનું મતદાનનું પ્રમાણ વધુ હતું. ડાબેરીઓ માટે બુધ્ધિજીવીઓએ એવો નેરેટિવ સેટ કર્યો છે કે તેઓ પ્રગતિશીલ છે અને મહિલાઓને સમાન અધિકારો આપે છે. પરંતુ એ વાતેય સત્ય છે કે મહિલાઓએ વધુ મતદાન કરી આ ઢોંગી ડાબેરીઓને કેરળમ્માંથી ઉખાડી ફેંક્યા છે.
ઘણા એમ પણ કહેતા હતા કે મમતા પોતે મહિલા હોવાના કારણે અને લક્ષ્મી ભંડાર જેવી કેન્દ્રીય યોજનાઓના લીધે મહિલાઓ તૃણમૂલને વિજયી બનાવશે. પરંતુ આવું થયું નહીં.
આ પરિણામો પછી ઘણા મુસ્લિમો વિચારતા થયા છે કે મુસ્લિમો હવે રાજકીય રીતે અનાથ બન્યા છે. પરંતુ તેવું નથી. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે પછી આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો જોશો તો સમજાશે કે મુસ્લિમ મતદારોએ પ. બંગાળમાં ભાજપ, તૃણમૂલ, કાંગ્રેસ, સીપીએમ, પીરઝાદા અબ્બાસ સિદ્દિકીના આઈએસએફ, હુમાયૂં કબીરના એજેયુપીને મતો આપ્યા છે. કેરળમ્માં મુસ્લિમોએ મુસ્લિમ લીગને સૌથી પહેલા પ્રાધાન્ય આપ્યું છે. બીજા ક્રમે કાંગ્રેસ છે, ત્રીજા ક્રમે યુડીએફના અન્ય છે. ચોથા ક્રમે સીપીએમ, પાંચમા ક્રમે સીપીઆઈ અને છઠ્ઠા ક્રમે એલડીએફના અન્ય છે. આમ, અહીં મુસ્લિમ લીગ-કાંગ્રેસને સૌથી વધુ મતો આપ્યા, જ્યારે ડાબેરીઓને પાછળ ધકેલી દીધા છે.
આસામમાં મુસ્લિમ મતદારોએ સૌથી વધુ કાંગ્રેસ, તે પછી બદરુદ્દીન અજમલના એઆઈયુડીએફ, તે પછી તૃણમૂલને મતો આપ્યા છે. આમ, અહીં બદરુદ્દીન અજમલના ‘અપનેવાલા’ પક્ષના બદલે કાંગ્રેસ પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મુસ્લિમ મતદારોએ ગયા વખત કરતાં અલગ વલણ અપનાવ્યું છે. અમદાવાદમાં ગયા વખતે મુસ્લિમ મતદારોએ સાત બેઠકો પર અસદુદ્દીન ઓવૈસીના એઆઈએમઆઈ એમને વિજય અપાવ્યો હતો. આ વખતે એક પણ બેઠક આપી નથી. વિપક્ષોમાં માત્ર કાંગ્રેસનો વિજય થયો. આમ, મુસ્લિમોએ અહીં કાંગ્રેસ પર ફરી વિશ્વાસ દાખવ્યો છે. ભુજમાં જોકે મિમને એક વાર્ડમાં ત્રણ બેઠક મળી છે. ભરુચમાં ચાર બેઠકો મળી છે. સિદ્ધપુર જે બ્રાહ્મણોનો વિસ્તાર ઘણા વખત સુધી ગણાતો ત્યાં જનસંખ્યાનું ગણિત બદલાયું અને ડિંડ્રોલ તાલુકા પંચાયતમાં મિમે એક બેઠક મેળવી.
કાંગ્રેસે ખાડિયા અને હિન્દુ બહુમતીવાળા પાલડી,વગેરે બેઠકો પર પણ મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા. દાણીલીમડામાં કાંગ્રેસના શૈલેષ પરમારે મઝાર પર દુઆ કરી. મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી સમયે આસામમાં મુસ્લિમોને કહ્યું કે નમાજ કરતી વખતે સાપ નીકળે તો તેને મારી નાખો છો તેમ હિન્દુવાદીઓને મારી નાખો. આનું પરિણામ ચાહે તે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પશ્ચિમ બંગાળ, કેરળમ્, ત્યાં દેખાય છે. પરંતુ હા, એ વાત ચોક્કસ છે કે સામા પક્ષે હિન્દુ મતદાર પણ હવે જાગૃત થયો છે. મુસ્લિમોને વિચારવાનો સોનેરી અવસર આવ્યો છે કે તેમણે કટ્ટર બનીને રહેવું છે કે ભારતીયતામાં ભળી દેશ પ્રથમની વિચારસરણી અપનાવી હિન્દુઓના હિન્દુત્વને પણ સ્વીકારવું છે, તેમના તહેવારોમાં આડા નથી આવવું, લવજિહાદ નથી કરવી, લેન્ડ જિહાદ નથી કરવી. વંદેમાતરમ્, ભારત માતા કી જય અને તિરંગાને અપનાવવો છે કે નહીં.
આ ચૂંટણીના પરિણામોમાંથી એવું કહેવાય છે કે હવે ભારતમાં ડાબેરીઓ પાસે એક પણ રાજ્યમાં સરકાર નથી. પરંતુ તેવું નથી. પ. બંગાળમા ગયા વખતે ડાબેરીઓને એક પણ બેઠક નહોતી મળી. આ વખતે બે બેઠક મળી છે. બીજી વાત. ડાબેરીઓ રાજકીય ક્ષેત્રેથી આઉટ, પણ કાંગ્રેસ, ભાજપમાં ભળી ગયા છે, આઈઆઈટી ગાંધીનગર અને યુનિ., અનેક સ્કૂલોમાં છે.
પાંચ રાજ્યોમાં મહિલા, મુસ્લિમ, દલિત, આદિવાસી, ચૂંટણી પંચ સાથે ગોઠવણ વગેરે અનેક બાબતોએ મતદારોએ શું સંદેશ આપ્યો છે?
jaywant.pandya@gmail.com








































