બગસરામાં સતવારા સમાજની વાડી ખાતે તાજેતરમાં પરિવારના એક અતૂટ અને પ્રેમાળ પાત્રને સમર્પિત કાર્યક્રમ ‘ભાભીઃ પ્રેમની પરિભાષા’નું આયોજન કરાયું હતું. ‘પિતા-પ્રેમનો પર્યાય’ કાર્યક્રમની સફળતા બાદ, પરિવારપ્રેમીઓ માટે આ અનોખા વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ચંદ્રહાસભાઈ બસીયાએ આજના આધુનિક સમયમાં પરિવારની સંકલ્પના અને તેમાં ભાભીના સ્થાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ભાભી એ ઘરની એવી કડી છે જે માતૃત્વનો સ્પર્શ અને દીકરી જેવો નિર્વ્યાજ સાથ આપીને આખા પરિવારને જોડી રાખે છે. સંયુક્ત પરિવારમાં ભાભીનો સ્નેહ અને સહનશીલતા ઘરને સાચા અર્થમાં ‘ઘર’ બનાવે છે.’ કાર્યક્રમના આયોજક અને વક્તા સંજયભાઈ ખાંદલે જણાવ્યું હતું કે, ‘પરિવારના મૂલ્યોનું જતન કરવામાં ભાભીનો ફાળો અમૂલ્ય છે. વહુ તરીકે પ્રવેશ્યા બાદ જે રીતે તેઓ ઘરના દરેક સભ્યોમાં વિશ્વાસ અને લાગણીનું વાતાવરણ ઉભું કરે છે, તે ખરેખર વંદનીય છે. આજના સમયમાં જ્યારે કૌટુંબિક સંબંધો નબળા પડી રહ્યા છે, ત્યારે ભાભીનું પાત્ર પ્રેમની નવી પરિભાષા શીખવે છે.’ સમગ્ર કાર્યક્રમનું આયોજન નિકુંજભાઈ જાદવ તથા હિરેનભાઈ ચૌહાણે કર્યું હતું.