અમરેલી શહેરના મહત્વના ગણાતા કેરીયા રોડ પર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી રસ્તાની કામગીરી હવે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે અભિશાપ બની ગઈ છે. તંત્ર દ્વારા વિકાસના નામે રસ્તો તો ખોદી નાખવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ જે ગતિએ કામ થવું જોઈએ તેમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. આ ઢીલી કામગીરીને કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા હજારો લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે અત્યારે માત્ર એક જ બાજુનો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો હોવાથી વાહનોની અવરજવરમાં ભારે ઘર્ષણ થાય છે અને નાના-મોટા અકસ્માતો થવાની ભીતિ સતત તોળાઈ રહી છે. કેરીયા રોડ પર આવેલી વિવિધ સોસાયટીના રહીશોને પોતાના ઘરે પહોંચવા માટે પણ અત્યારે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉડતી ધૂળ અને અધૂરા રસ્તાને કારણે વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે. સ્થાનિક લોકોમાં એ વાતનો ભારે આક્રોશ છે કે જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે મતની ભીખ માંગવા આવતા ઉમેદવારો અને રાજકીય નેતાઓ અત્યારે જનતાની આ પીડા જોવા માટે હાજર નથી. રહીશો દ્વારા તંત્ર અને સ્થાનિક નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, પરિસ્થિતિ જસની તસ છે. હજુ તો રસ્તાની એક જ બાજુનું કામ ચાલી રહ્યું છે અને તે પણ કાચબા ગતિએ, ત્યારે આખેઆખો રસ્તો ક્યારે તૈયાર થશે તે અંગે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી.
રહીશોની માગણી છે કે જો તંત્ર ખરેખર લોકશાહીમાં માનતું હોય તો આળસ ખંખેરીને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ શરૂ કરાવવું જોઈએ. માત્ર આશ્વાસનો આપવાને બદલે નક્કર કામગીરી દેખાવી જોઈએ જેથી અકસ્માતો અટકે અને જનજીવન ફરી પાટા પર આવે. જો આગામી દિવસોમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે, તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.










































