બગસરા નગરપાલિકાની ચૂંટણી પહેલા કે પછી આગેવાનો દ્વારા હંમેશા રીવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી શહેરીજનોને કોણીએ ગોળ લગાડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લાં ૧૦ વર્ષથી આગેવાનો દ્વારા શહેરની સુવિધા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાનું શહેરીજનો રોષ સાથે જણાવી રહ્યાં છે. બગસરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવતા જ આગેવાનોએ ફરી રીવરફ્રન્ટની જાહેરાત કરી શહેરીજનોને કોણીએ ગોળ લગાડવાની જાહેરાત કરી છે. બગસરા પાલિકામાં શહેરીજનોએ ભાજપને રર બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપી છે. શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષથી રીવરફ્રન્ટની જાહેરાત કરવામાં આવે છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આગેવાનો પણ રીવરફ્રન્ટની જાહેરાત કરી શહેરીજનોને કોણીએ ગોળ લગાડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. હવે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામગીરી કરાવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. શહેરમાં જીઆઈડીસી, અટલજી પાર્કનું નવીનીકરણ સહિતના અનેક કામો બાકી હોય ત્યારે નવા ચૂંટાયેલા સદસ્યો માટે આ કામો પૂરા કરવા પડકારરૂપ બની રહેશે ત્યારે તેમની કામગીરી પર શહેરીજનો મીટ માંડીને બેઠા છે.







































