બગસરામાં નાયરા પેટ્રોલપંપ પાસે બે ફોર વ્હીલર કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે હિરેનકુમાર રાજુભાઇ પરમાર (ઉ.વ.૪૦)એ GJ-01-KM-3436 નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની કાર લઈને બગસરાના નાયરા પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી આવેલી GJ-01-KM-3436 ના ચાલકે ધડાકાભેર ભટકાવી હતી. અકસ્માતમાં તેમના પત્નીને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમને અને તેમના પુત્રને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ પોલો કારનો ચાલક પોલીસ પકડથી બચવા માટે પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.