અમરેલી જિલ્લામાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ હત્યાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. પોલીસની નબળી કામગીરીને કારણે ગૂનેગારોએ માથુ ઉંચક્યુ છે. જેમાં છેલ્લાં એક મહિનામાં પાંચથી વધુની હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. હજુ બે દિવસ પહેલા બગસરામાં થયેલી હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં આજે બાબરાના કરીયાણા ગામમાં એક યુવકની નિર્મમ હત્યા કરી નાખવામાં આવતા લોકો હવે ખાખીની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યાં છે. બાબરામાં ગત સાંજના રોજ કરીયાણા ગામે એક દેવીપૂજક યુવાનને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ વીંછીયા તાલુકાના ફુલઝર અને હાલ મોરબી ગામે રહેતા ભરત વલ્લભભાઈ ઉગરેજીયા(ઉ.વ.૩૧) પોતાની કાર લઈને કરીયાણા ગામે જઈ રહ્યા હતા ત્યારે તેની પાછળ યુટીલીટી ગાડીમાં ૧૦થી ૧ર શખ્સોએ પીછો કર્યો હતો. પોતાને મારવા માટે જ આ શખ્સો આવ્યા હોવાની જાણ ભરતને થતા તેમણે ગાડી ભગાવી હતી પરંતુ ગાડી બંધ પડી જતા યુવક ગાડીમાંથી ઉતરી ભાગવા લાગ્યો હતો અને તેની પાછળ શખ્સો દોડ્યા હતા જા કે ગામની સીમમાં તળાવ આવી જતા યુવક ત્યાં ઉભો રહી જતા શખ્સોએ એક સંપ કરી યુવક પર તિક્ષ્ણ હથીયારના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધુ હતુ. હત્યા કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની બાબરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. મૃતકની લાશને બાબરા પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ હત્યા શા માટે કરવામાં આવી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે અને હત્યા કર્યા બાદ નાસી છુટેલા શખ્સોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
જુના મનદુઃખમાં હત્યા થઈ હોવાની ચર્ચા
જાણવા મળતી માહિતી મુજબ મૃતક ભરતની એક બેન બાબરા અને એક બેન રાજકોટ સાસરે છે. જેમાં મૃતક ભરતને બનેવી સાથે મનદુઃખ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આ બાબતે પહેલા પણ માથાકૂટ થઈ હતી જેની તપાસ ચાલી રહી છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે બાબરા પોલીસે નિવેદન લખાવવા માટે ભરતને બોલાવ્યો હતો ત્યારે પરિવારજનોએ હુમલાની આશંકા વ્યકત કરી હતી. જા કે મૃતકના પરિવારજનોના આક્ષેપને બાબરા પીઆઈએ ફગાવી દીધા છે. મૃતક છેલ્લાં ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે મોરબી રહેતો હોય તો બાબરાના કરીયાણા ગામે શા માટે આવ્યો તે પણ તપાસનો વિષય છે.
ગાડી બંધ પડતા જ યુવકને મોત આંબી ગયુ
લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ યુવાન લાલ ગાડી લઈને કરીયાણા ગામની સીમમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક પાછળ યુટીલીટીને આવતા જાતા ગાડી ભગાવી હતી પરંતુ ગાડી રસ્તામાં બંધ પડી જતા યુવક ગાડીમાં કુદ્યો હતો અને સીમમાં નાસવા લાગ્યો હતો જયારે તેની પાછળ ૧૦થી ૧ર અજાણ્યા શખ્સો દોડ્યા હતા અને કોઈપણ ભોગે યુવકને પતાવી દેવાના ઈરાદા સાથે જ યુવક પર તિક્ષ્ણ હથીયાર ઘા ઝીંકી દેતા યુવક ત્યાં ઢળી પડ્યો હતો.
મૃતક યુવાનના પરિવારે ફુલઝર ગામ ૩૦ વર્ષ પહેલા છોડી દીધુ હતુ
વીછીયાના ફુલઝર ગામના સરપંચના જણાવ્યા મુજબ ભરત ઉગરેજીયાના પરિવારે ૩૦ વર્ષ પહેલા ફુલઝર ગામ છોડી દીધુ હતુ અને તેનો પરિવાર મોરબી સ્થાયી થયો છે તો આ યુવાન મોરબીથી કે ફુલઝર ગામથી કરીયાણા ગામે આવ્યો હતો કે કેમ અને આ યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે હત્યારાઓ ઝડપાઈ જાય પછી ખબર પડશે.
મૃતકના પરિવારજનોને મોરબી જાણ કરવામાં આવી
જાણવા મળતી માહિતી મુજબ મૃતક ભરત વલ્લભભભાઈ ઉગરેજીયા પરિણીત છે અને તેમનો પરિવાર મોરબી રહેતો હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે સ્થાનિક પોલીસનો સંપર્ક કરી તેમના પરિવારજનોને માહિતી આપતા મૃતકના પરિવારજનો બાબરા આવવા માટે નીકળી ગયા હોવાનું જાણવા મળ્યુ છે. મૃતકને કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કેમ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.









































