અમરેલીના આંગણે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સેવા સંઘ દ્વારા પચ્ચીસ વર્ષ બાદ પ્રથમ સમૂહ લગ્નનું અત્યંત સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે બે નવયુગલોએ જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી અને ઉપસ્થિત પૂજનીય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર આયોજન સેવા સંઘ મંડળના પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા તેમજ સમાજ સંચાલિત વિવિધ મંડળોના સહયોગથી સમાજના નેજા હેઠળ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે બગસરા આપાગીગાની જગ્યાના મહંત હરીરામ બાપુ, નેસડી ખોડિયાર મંદિરના લવજીબાપુ, સાવરકુંડલાના હસુબાપુ, વછરાજ મંદિરના સીતારામ બાપુ, ઉદયગીરી બાપુ, આંબા આપાગીગા જગ્યાના ઘનશ્યામદાસ બાપુ, અમરેલી આપાગીગા જગ્યાના દયારામ બાપુ અને નાગદેવતા મંદિરના હાર્દિકગીરી બાપુ સહિતના સંતોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.આ શુભ પ્રસંગે સમાજના વિવિધ ગામોથી પધારેલા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રમુખ સ્થાને સમાજ પ્રમુખ ભરતભાઈ ટાંક, ઉપપ્રમુખ મનસુખભાઈ ચૌહાણ અને તમામ ટ્રસ્ટીગણ બિરાજમાન હતા. આ મહોત્સવના મુખ્ય દાતા અને યજમાન તરીકે અમદાવાદ બાપુનગરના પ્રમુખ અને દાનવીર નિલેશભાઈ બાબુભાઈ ચૌહાણ તેમજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ વિનુભાઈ ચૌહાણનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ ઉપરાંત રમેશભાઈ, સંજયભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ ગેડિયા, દીપકભાઈ કાચા, વિજયભાઈ મારુ અને રાજકોટથી રવજીભાઈ મકવાણા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. મ્યુનિસિપલ કોર્પોરેટર કૌશિકભાઈ ટાંક, દિવ્યેશભાઈ ચોટલીયા અને વિવિધ ગામોના સમાજ પ્રમુખોએ પણ આ પ્રસંગને દીપાવ્યો હતો. સેવા સંઘના પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને તેમની ટીમની જહેમતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેમાં કેળવણી મંડળ, શ્યામ યુવક મંડળ, કર્મચારી મંડળ અને શ્યામ મહિલા મંડળનો મોટો સહકાર સાંપડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આગામી વર્ષે ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ દ્વિતીય સમૂહ લગ્ન યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. મુખ્ય દાતા નિલેશભાઈ ચૌહાણે આગામી વર્ષે લગ્ન કરનાર તમામ દીકરીઓને સંપૂર્ણ સહયોગ આપવાની ઉમદા જાહેરાત કરી હતી. અમરેલી સમાજના મોભી સ્વર્ગીય બી.કે. ટાંકનું સમૂહ લગ્નનું સ્વપ્ન સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ ભગીરથ કાર્ય સંપન્ન થયું હતું. સ્ટેજ સંચાલન જગદીશભાઈ સોલંકી અને રાજુભાઈ ટાંક દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.









































