કેરળમાં કોંગ્રેસની પ્રચંડ જીત છતાં, મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે સસ્પેન્સ રહે છે. શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દાવેદારો સાથે મળ્યાના બે દિવસ પછી પણ પાર્ટી નેતૃત્વ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા, એઆઈસીસી મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વીડી સતીસનને મુખ્યમંત્રી પદ માટે મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. પાર્ટી હાઇકમાન્ડે શનિવારે આ ત્રણ નેતાઓ સાથે અલગ-અલગ ચર્ચા કરી હતી. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સની જાસેફ અને કેરળના પ્રભારી મહાસચિવ દીપા દાસમુન્શી પણ બેઠકમાં હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી પ્રમુખ ખડગે વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને મળ્યા પછી અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. પાર્ટીમાં એવું પણ માનવામાં આવે છે કે હાઇકમાન્ડ ગયા અઠવાડિયે રાજ્યમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને પોસ્ટર વોર શાંત થવાની રાહ જાઈ રહ્યું છે. હકીકતમાં, મુખ્યમંત્રી પદને લઈને સતીશ અને વેણુગોપાલના સમર્થકો વચ્ચે ખુલ્લેઆમ શક્તિ પ્રદર્શન થયું હતું.
નવી દિલ્હીમાં એક બેઠક પછી, કેરળ કોંગ્રેસના નેતાઓ અને દીપા દાસમુન્શીએ સંયુક્ત રીતે કાર્યકરોને નેતૃત્વ વિવાદ પર વિરોધ પ્રદર્શનો અને ફ્લેક્સબોર્ડ ઝુંબેશથી દૂર રહેવા અપીલ કરી હતી. જાકે પડદા પાછળ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ રાજ્યમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં અનિશ્ચિતતા યથાવત છે.
કોંગ્રેસના સાથી પક્ષોમાં નારાજગીના અહેવાલો
દરમિયાન, કોંગ્રેસના સાથી પક્ષોમાં નારાજગીના અહેવાલો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ૧૪૦ સભ્યોની વિધાનસભામાં ૧૦૨ બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી, પરંતુ તેમ છતાં, મુખ્યમંત્રીના નામકરણમાં વિલંબ સાથી પક્ષોમાં અસ્વસ્થતા પેદા કરી રહ્યો હોવાના અહેવાલ છે.
વિલંબ અંગેના પ્રશ્નોના જવાબમાં, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૨૩ મેના રોજ સમાપ્ત થાય છે, તેથી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. દરમિયાન, રમેશ ચેન્નીથલાએ સોમવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદ અંગે પાર્ટી હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે બધા કોંગ્રેસ અને યુડીએફ કાર્યકરો દ્વારા સ્વીકારવામાં આવશે. નવી દિલ્હીથી પરત ફર્યા બાદ, તેમણે કહ્યું, “અમે હાઇકમાન્ડ સમક્ષ અમારા વિચારો રજૂ કર્યા છે. હવે નિર્ણય લેવાનું તેમનું છે.”
ચેન્નીથલાએ નિર્ણયમાં વિલંબને લોકશાહી પ્રક્રિયાના ભાગ રૂપે વર્ણવ્યો. તેમણે કહ્યું કે વાટાઘાટોના તમામ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને કોંગ્રેસ ડાબેરી મોરચા જેટલો સમય લઈ રહી નથી જેટલો ગયા વખતે લીધો હતો.
ભાજપની ટીકાનો જવાબ આપતા, ચેન્નીથલાએ કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી, ભાજપે પણ મુખ્યમંત્રી પસંદ કરવામાં ઘણા દિવસો લીધા. તેમણે કટાક્ષમાં કહ્યું કે કોંગ્રેસ એવી પાર્ટી નથી જે નાગપુરના નિર્દેશો પર કામ કરે છે.







































