અફઘાનિસ્તાનને વિશ્વમાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ટોચના પાંચ દેશોની યાદીમાં યમન બીજા ક્રમે છે. આ માહિતી ગ્લોબલ વિમેન સેફ્ટી ઇન્ડેક્સના તાજેતરના ડેટામાં આપવામાં આવી છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ માં તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાન મહિલાઓ માટે વિશ્વનો સૌથી અસુરક્ષિત દેશ બની ગયો છે.
યુદ્ધ, રાજકીય અસ્થિરતા અને કઠોર સામાજિક ધોરણો ઘણા દેશોમાં મહિલાઓના જીવનને અત્યંત જાખમમાં મૂકે છે. મહિલા સુરક્ષા સૂચકાંકમાં અફઘાનિસ્તાન ૦.૨૭૯ ના સ્કોર સાથે સૌથી નીચો ક્રમ ધરાવે છે. અહીં જાહેર જીવનમાં મહિલાઓની ભાગીદારી નહિવત્ છે અને તેઓ સામાજિક પ્રતિબંધોનો સામનો કરે છે. શિક્ષણ અને રોજગાર જેવા મૂળભૂત અધિકારો પણ પ્રદેશમાં સ્થાનિક નીતિઓ પર આધાર રાખે છે, જે તેમની સ્વાયત્તતાને સંપૂર્ણપણે ખતમ કરે છે. યમન (૦.૩૨૩) યાદીમાં બીજા ક્રમે છે, જ્યાં લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધે આરોગ્યસંભાળ અને માળખાગત સુવિધાઓનો નાશ કર્યો છે. તે પછી મધ્ય આફ્રિકન રિપબ્લિક (૦.૩૬૨) અને સીરિયા (૦.૩૬૪) આવે છે.
સીરિયામાં વર્ષોથી ચાલતા સંઘર્ષે મહિલાઓને વિસ્થાપન અને માનસિક તણાવમાં ધકેલી દીધી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (૦.૩૮૪) આગળ છે. નિષ્ણાતો કહે છે કે આ રેન્કિંગ ફક્ત આંકડા નથી, પરંતુ લાખો મહિલાઓના વાસ્તવિક સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે જે દરરોજ ભય, વિસ્થાપન અને અસુરક્ષામાં જીવે છે. રાજકીય અસ્થિરતા અને આર્થિક કટોકટીએ પણ સુદાન (૦.૩૯૭) અને દક્ષિણ સુદાન (૦.૪૧૧) જેવા દેશોમાં મહિલાઓ માટે જીવન પડકારજનક બનાવ્યું છે.
રિપોર્ટ મુજબ, ભારતની સ્થિતિ આ યુદ્ધગ્રસ્ત દેશો કરતાં ઘણી સારી છે, પરંતુ પડકારો હજુ પણ બાકી છે. ભારતે મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડ, મિશન શક્તિ અને કડક પોસ્કો કાયદા જેવા કડક જાગવાઈઓ લાગુ કરી છે. અફઘાનિસ્તાન અથવા યમન જેવા દેશોથી વિપરીત, ભારતમાં મહિલાઓને બંધારણીય રીતે શિક્ષણ, કાર્ય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે. ભારત માટે મુખ્ય પડકારો સામાજિક ધારણાઓ, કાર્યસ્થળ સલામતી અને ઘરેલુ હિંસાનો સામનો છે. એ નોંધવું જાઈએ કે ભારત ૧૭૭ દેશોમાંથી ૧૩૧મા ક્રમે છે. તે ૦.૫૯૫ થી વધીને ૦.૬૦૭ પર પહોંચી ગયું છે, જે પાછલા વર્ષ કરતાં સુધારાના સંકેત છે.