સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૬ વિસ્તારમાં આઇકોનિક રોડ પ્રોજેક્ટ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને આકર્ષક સર્કલનું નિર્માણ કરવામાં આવશે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણીએ સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ શહેરને નવી ઓળખ આપશે. તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર વિકાસકાર્યોમાં પારદર્શકતા, ગુણવત્તા અને લાંબા ગાળાના આયોજનમાં વિશ્વાસ રાખે છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ રિવરફ્રન્ટ, ફિલ્ટર પ્લાન્ટ, સ્પોટ્ર્સ સંકુલ અને આઇકોનિક રોડ જેવા વિકાસકાર્યો થઈ રહ્યા છે. ટેન્ડર પ્રક્રિયા અને ટેકનિકલ મંજૂરીઓ સરકારના નિયમો મુજબ ચાલી રહી હોવાથી કામ શરૂ થવામાં થોડો સમય લાગી રહ્યો છે. છતાં શહેરના નાગરિકોને વિશ્વાસ અપાયો છે કે પ્રોજેક્ટ ઝડપથી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવામાં આવશે.










































