ક્રિકેટના ભગવાન ગણાતા ક્રિકેટ લિજેન્ડ અને ભારત રત્ન સચિન તેંડુલકર ગુજરાતમાં છે. અમદાવાદની એક સ્પોર્ટ્સ એકેડમીની સચિન તેંડુલકરે મુલાકાત લીધી. સચિન તેંડુલકરે એકેડમીમાં યુવા ખેલાડીઓ, બાળકો અને તેમના માતા-પિતા સાથે સંવાદ કર્યો. યુવા ખેલાડીઓના માતા-પિતાને સંબોધતા સચિને કહ્યું કે, નિષ્ફળતા અને સફળતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. માતા-પિતાએ બાળકો પર કોઈપણ પ્રકારનું પ્રેશર આપવું જોઈએ નહીં.
સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓ, બાળકો અને તેમના માતા-પિતા સાથે સંવાદ કરતા જણાવ્યું કે, “હું ૧૧ કે ૧૨ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો પરંતુ માતા-પિતા તરફથી ક્યારેય પ્રેશર નથી મળ્યું. તેઓએ કહ્યું કે, ઘણી વસ્તુઓમાં તમારે સેક્રિફાઇઝ કરવું પડશે. સ્પોર્ટ્સમાં સફળ થવામાં કોઈ શોર્ટ કટ નથી. મુંબઈમાં અમારી પહેલી એકેડેમી શરૂ થઈ અને આ બીજી એકેડેમી છે. દર વખતે તમને જાઈએ તેવું રિઝલ્ટ નહીં મળે. આ જર્નીમાં ઉતાર-ચઢાવ આવતા રહેશે. કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ.”
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, “જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જાવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જાવા માટે પ્રેરિત કરતી રહેશે.” આ એકેડમીના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે.













































