બાબરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુધ્ધની સ્થિતિના લીધે ઇંધણ પુરવઠા પર માઠી અસર થતાં ભારતમાં પણ તેની ઉપલબ્ધતા ઘટી છે. અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઇંધણનો જથ્થો મર્યાદિત હોવાથી પંપ સંચાલકો દ્વારા નિયમ મુજબ મર્યાદિત પ્રમાણમાં જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ટ્રક ચાલકોને માત્ર રૂ. ૨,૦૦૦ થી રૂ.૩,૦૦૦ નું જ ડીઝલ મળતું હોવાથી માલવહન વ્યવસ્થા ખોરવાઈ છે. સમયસર માલસામાન ન પહોંચવાના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સહિત સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે, સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી નિયમિત ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરવાની ઉગ્ર માંગ કરી છે.