સાવરકુંડલાના ઓળીયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પત્નિને “તને કરિયાવરમાં કાંઈ આપ્યું નથી” તેમ કહી શારીરિક-માનસિક અત્યાચાર ગુજાર્યો હતો. જ્યારે સસરા “હું તને બીજી જગ્યાએ પરણાવી દઇશ, મારે આને રાખવી નથી” તેમ કહી પતિની ચઢામણી કરતા હતા. સાસરિયાના સિતમથી ત્રાહિમામ પોકારીને પત્નિ આખરે પિયર પરત ફરી હતી.મેઘનાબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ. ૨૫)એ પતિ મનીષભાઇ જયસુખભાઇ બગડા તથા સસરા જયસુખભાઇ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પતિ અવારનવાર હેરાન-પરેશાન કરી “તને કોઇ કામકાજ આવડતું નથી અને તારા પિયરવાળાઓએ કોઇ કામ શીખવાડયું નથી, તેમજ કરિયાવરમાં પણ કાંઇ આપેલ નથી” તેમ કહી મેણાં-ટોણાં મારી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. તેમજ ઢીકાપાટુનો મૂઢ માર મારી જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. સસરા પણ પુત્રને પુત્રવધૂ વિરુધ્ધ ચઢામણી કરતા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.