ચલાલા પંથકમાં પ્રેમ સંબંધની જૂની અદાવત રાખી એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરબડી ગામના પાટિયા પાસે બનેલી આ ઘટનામાં, એક શખ્સે પોતાના બે સાગરીતો સાથે મળી યુવકને લાકડી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે પરબડી ગામના મહેશભાઈ જયંતીભાઈ માઢક (ઉં.વ. ૨૮)એ મેહુલભાઈ મહેતા (રહે. દેવળા) તથા બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી અને આરોપી મેહુલની પત્ની ચંદ્રિકાબેન વચ્ચે અગાઉ મિત્રતા હતી. ચંદ્રિકાબેન ફરિયાદીના મામાની દીકરી થાય છે. આ મિત્રતા અંગે તેના પતિ મેહુલને જાણ થઈ ગઈ હતી, જેને લઈ અગાઉ પણ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.
મહેશભાઈ જ્યારે પરબડી ગામના પાટિયાથી ચલાલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ જૂનું મનદુઃખ રાખી આરોપી મેહુલ અને તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ તેમને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ભગુભાઈ ખાચર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.