ધોરાજીના યુવાન આરાધક આયુષ ચેતનભાઈ શાહે માત્ર નાની ઉંમરમાં જ ૯૯ જૈન યાત્રાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરીને જૈન સમાજમાં નવો ઇતિહાસ રચ્યો છે. પ. પૂ. આ. શ્રમણચંદ્રસુરીજી મ. સા. અને શ્રુતચંદ્રસુરીજી મ. સા.ની પ્રેરણા અને ઘોઘાવાળા પરિવારના આશીર્વાદથી આ યાત્રાઓ પૂર્ણ કરી છે. આયુષે ખાસ કરીને ચોવીયાર છઠ (બે દિવસના સંપૂર્ણ ઉપવાસ અને પાણી વગર)માં ૭ યાત્રાઓ એક સાથે પૂર્ણ કરીને અત્યંત કઠિન તપનું પ્રદર્શન કર્યું છે. ૪૫ ડિગ્રીના તીવ્ર તાપમાં પણ અવિરત ભક્તિથી આ યાત્રાઓ પૂર્ણ કરવી એ ખરેખર અનુકરણીય છે. આ સિધ્ધિ સાથે આયુષે ધોરાજી જૈન સંઘ તેમજ સમગ્ર શાહ પરિવારનું નામ સમગ્ર જૈન સમાજમાં રોશન કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, “પરમ પૂજ્ય ગુરુવરોના આશીર્વાદ અને પરિવારના સહયોગથી આ અઘરુ તપ પૂર્ણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આ યાત્રાઓ મારા જીવનની સૌથી મોટી પ્રાપ્તિ છે.”









































