રાજ્યમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં એક વ્યક્તી દ્વારા સરકારી અધિકારીની ઓળખ આપીને નકલી ઈમેલ આઈડી બનાવવામાં આવ્યું હતું અને આ આઈડીનો ઉપયોગ કરીને બેંકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબત સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ઋષભ પટવાએ કોઈ ચોક્કસ બેંકમાંથી રિફંડ મેળવવાના ઈરાદાથી આ કાવતરું રચ્યું હતું. આરોપીએ સ્થાનિક પોલીસ સ્ટેશનની ખોટી ઓળખ આપીને એક ફેક ગવર્મેન્ટ ઈમેલ આઈડી બનાવ્યું હતું. આ નકલી આઈડીનો ઉપયોગ કરીને બેંકોને સત્તાવાર પત્રો મોકલવામાં આવ્યા હતા જેથી બેંકના અધિકારીઓને ગેરમાર્ગે દોરીને નાણાકીય લાભ મેળવી શકાય. જાકે, બેંક અને તપાસ દરમિયાન આ ઈમેલ આઈડીની સત્યતા પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રિયંકાબેન ચૌધરીએ પોતે ફરિયાદી બનીને આરોપી ઋષભ પટવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની ઓળખ છુપાવીને અને ખોટા દસ્તાવેજાના આધારે સરકારી સિસ્ટમનો દુરુપયોગ કર્યો હતો.
આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને મહેસાણા તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૦૪, ૩૧૯ તેમજ આઈટી એક્ટની કલમ ૬૬ (સી) અને (બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આ આખા નેટવર્ક પાછળ અન્ય કોઈ વ્યક્તીઓ જાડાયેલા છે કે નહીં, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો લોકોને સાયબર સુરક્ષા અંગે વધુ સતર્ક રહેવા માટે ચેતવણીરૂપ છે.