સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે આકાશે આંબી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લાં માત્ર ૫ મહિનાના ટૂંકા ગાળામાં જ સુરતમાં સત્તાધારી પક્ષ ભાજપના એક સ્થાનિક નેતા સહિત અધધ કહી શકાય તેવા ૫૦ નિર્દોષ લોકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ આંકડા એટલા ભયાનક છે કે તેનાથી આખા શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જા સરેરાશ ગણતરી કરવામાં આવે તો, સુરતમાં દર ત્રણ દિવસે એક વ્યક્તિની હત્યા થઈ રહી છે, જે પોલીસ તંત્રની ઢીલી કામગીરી અને કથળતી સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલિયા નિશાન ઊભા કરે છે. વધુ ચોંકાવનારી વિગત એ છે કે દર ૩૮ કલાકે સુરતમાં એક નિર્દોષ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ રહી છે.
સતત વધી રહેલી આ લોહિયાળ અને હિંસક હત્યાની ઘટનાઓથી સુરતની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત શહેરમાં ગુનેગારો તદ્દન બેફામ અને બેકાબૂ બન્યા હોવાથી હવે સામાન્ય અને શાંતિપ્રિય શહેરીજનોમાં ભારે ખૌફ અને ડરનો માહોલ વ્યાપી ગયો છે.
સુરતમાં જે રીતે ટપોટપ નિર્ભયતાથી હત્યાઓ થઈ રહી છે, તે જાતાં એવું સ્પષ્ટ લાગે છે કે ગુનેગારોના મનમાંથી કાયદા કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. સરેઆમ તીક્ષ્ણ હથિયારો ઉલાળતા અને ગોળીબાર કરતા ગુનેગારોને કારણે લોકો સાંજે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે સામાન્ય જનતા અને બુદ્ધિજીવીઓ આક્રોશપૂર્વક પૂછી રહ્યા છે કે, આવા ગંભીર ગુનાઓને નિયંત્રણમાં લેવા માટે સુરત પોલીસ કેમ આટલી ઉણી ઉતરી રહી છે? પોલીસનું ગુપ્તચર તંત્ર અને પેટ્રોલિંગ કેમ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે? શહેરમાં વ્યાપેલી અશાંતિને ડામવા અને કાયદાનું શાસન ફરી સ્થાપિત કરવા માટે પોલીસ તંત્ર વધુ કડક, સખત અને અસરકારક પગલાં ઉઠાવે તેવી લોકમાંગ હવે ઉગ્ર બની રહી છે. જા આગામી દિવસોમાં આ માફિયાઓ અને ગુનેગારો પર કડક સકંજા કસવામાં નહીં આવે, તો ડાયમંડ સિટીની શાખ કાયમ માટે ધૂળમાં મળી જશે.








































