સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂપિયા ૨.૬૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત દેતડ ગામે રૂપિયા ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામેલી નવી ગ્રામ પંચાયત (ગ્રામ સચિવાલય) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી નાગરિકોને સુવ્યવસ્થિત વહીવટી સેવાઓ મળશે. આ ઉપરાંત, ખોડીયાણા ગામે રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે બનનાર ખોડીયાણા-બગોયા નોન-પ્લાન રોડ (સીસી રોડ તેમજ નાળા) ના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે સ્થાનિકોની અવરજવર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ કરશે. તેમજ ધજડી ગામના બોઘરયાણી વિસ્તારમાં રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે બનેલા માઇનોર બ્રિજ, પ્રોટેક્શન વોલ અને સીસી રોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.







































