અમરેલી સહિત જિલ્લાની સાવરકુંડલા, બગસરા, ધારી, દામનગર અને બાબરાની નગરપાલિકાઓની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. આ ભવ્ય જીત બાદ અને મતગણતરી પૂર્ણ થયાના લગભગ વીસ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયા પછી, આજે મંગળવારે તમામ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સત્તાવાર વરણી કરવામાં આવશે. ભાજપનું મોવડી મંડળ કયા મજબૂત દાવેદાર પર પસંદગીનો કળશ ઢોળે છે અને કોને સત્તાની ચાવી સોંપે છે, તેના પર સમગ્ર જિલ્લાના શહેરીજનો અને કાર્યકરો મીટ માંડીને બેઠા છે.છેલ્લા ઘણા દિવસોથી વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ પદ મેળવવા માટે સ્થાનિક રાજકીય આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા જોરદાર લોબિંગ કરવામાં આવી રહ્યું છે. પક્ષના મોવડી મંડળ સમક્ષ પોતાની દાવેદારી મજબૂત કરવા માટે નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કયા સ્થાનીય નેતાનું રાજકીય લોબિંગ અને વગ આખરે કામ કરી જાય છે.






































