અમરેલી જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં બાબરા તાલુકો આજે પણ એસ.ટી. પરિવહન સુવિધામાં અન્યાયનો ભોગ બની રહ્યો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ જતી મોટાભાગની બસો વાયા લાઠી થઈને દોડાવવામાં આવતી હોવાથી સ્થાનિક વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાત વર્ગમાં ભારે રોષ છે. તાજેતરમાં શરૂ થયેલી ધારી-નાથદ્વારા બસ પણ વાયા લાઠી ચલાવવામાં આવતા લોકોની નિરાશા વધી છે. મુસાફરોની માંગ છે કે લાઠી રૂટની પચાસ ટકા બસો વાયા બાબરા ડાયવર્ટ કરવામાં આવે તો હજારો લોકોને સીધો લાભ થાય. હાલમાં રાત્રિના સમયે મુસાફરોને ચાવંડ ઉતરીને બાબરા આવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. ચૂંટણી ટાણે મોટા વચનો આપતા નેતાઓ મતદાન બાદ ગાયબ થઈ જતા હોવાનો આક્ષેપ કરતા લોકોએ તંત્ર પાસે આ અન્યાય બંધ કરી યોગ્ય પરિવહન સુવિધા આપવા ઉગ્ર માંગ કરી છે.








































