જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સાસરિયાઓ દ્વારા પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની વધુ એક ઘટના સામે આવી છે. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને કરિયાવર લાવવા બાબતે મેણા-ટોણા મારી, મારઝૂડ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મૂકતા ચકચાર મચી ગઈ છે.આ અંગે દયાબેન કાનાભાઇ ચારોલીયા (ઉ.વ. ૨૬)એ પતિ કાનાભાઇ વેલજીભાઇ ચારોલીયા, સાસુ સવિતાબેન વેલજીભાઇ ચારોલીયા તથા સસરા વેલજીભાઇ માવજીભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૩માં લગ્ન કરનાર પરિણીતાને તેના પતિ, સાસુ અને સસરા દ્વારા લગ્ન સમયથી જ ત્રાસ આપવામાં આવતો હતો. સાસરિયાઓ વારંવાર પરિણીતાને “તારા માવતરે કાંઈ શીખવ્યું નથી, તું પ્રેમ લગ્ન કરીને આવી છે અને પિતાના ઘરેથી કોઈ કરિયાવર લાવી નથી” તેમ કહી મેણા-ટોણા મારતા હતા.
આરોપીઓએ પરિણીતાને શારીરિક અને માનસિક રીતે અત્યંત પરેશાન કરી હતી.ગત ૧૭ જુલાઈના રોજ વિવાદ વકરતા પતિએ બિભત્સ ગાળો આપી, ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતાને પહેરેલા કપડે ઘરની બહાર હાંકી કાઢી હતી.