ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફરી એકવાર વન્યજીવો માટે રક્તરંજિત સાબિત થયો છે. રાજુલા તાલુકાના દાતરડી ગામ પાસે માર્ગ ઓળંગી રહેલા એક વર્ષના માસૂમ સિંહબાળને અજાણ્યા વાહને પૂરપાટ ઝડપે ટક્કર મારતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે કારણ કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક સિંહો અને દીપડાઓએ વાહનો કે ટ્રેનની અડફેટે જીવ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને વન્યજીવોની અવરજવર માટે સુરક્ષિત કોરિડોરનો અભાવ આ પ્રકારની દુર્ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો વન વિભાગ અને માર્ગ પરિવહન તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને હાઈવે પર સ્પીડ બ્રેકર્સ અથવા ફેન્સિંગ જેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો એશિયાટિક સિંહોના અસ્તિત્વ પર ખતરો વધતો રહેશે.

સિંહબાળનું મોત નિપજાવનાર કારચાલક ઝડપાયો
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક સિંહબાળને ટક્કર મારી મોત નીપજાવનાર સ્વીફ્‌ટ કારના ચાલકની વનવિભાગે કોબડી ટોલનાકા પાસેથી અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે રાજુલા વનવિભાગની ૪ ટીમોએ ગણતરીના કલાકોમાં આ અકસ્માતનો કેસ ઉકેલી નાખ્યો છે.