ધારી-ચલાલા હાઈવે પર ખોડિયાર મંદિરના પાટિયા પાસે આવેલી સાવજ હોટલ નજીક એક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતી એક અજાણી ફોરવ્હીલ કારના ચાલકે એક્ટિવા સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો.પ્રાગજીભાઇ નનુભાઇ સાપરીયા (ઉ.વ.૬૫) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કૌટુંબિક ભાઈ અને અન્ય એક યુવક ટીવીએસ જ્યુપિટર લઈને ધારીથી ચલાલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાયપાસ પર સાવજ હોટલ પાસે પહોંચતા સામેથી ખોટી દિશામાં (રોંગ સાઈડ) આવતી એક અજાણી કારના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી એક્ટિવાને અડફેટમાં લીધું હતું. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. જેમાં એક યુવકને માથાના ભાગે, ખભા પર અને હાથે-પગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય યુવકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માઢક આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.