જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક સોલાર પ્રોજેક્ટની સાઇટ પર મજૂરો પાસે કામ કરાવવા જેવી નજીવી બાબતે સુપરવાઇઝર પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. સદનસીબે સુપરવાઇઝરે સેફ્ટી હેલ્મેટ પહેરેલું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ અંગે ચિત્રાસર ગામે રહેતા મુકેશભાઈ આતુભાઈ બાંભણીયા (ઉ.વ. ૩૩)એ રવજીભાઈ નારણભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, કાગવદર ગામે ચાલતા સોલાર પ્રોજેક્ટમાં મુકેશભાઈ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. આ સાઇટ પર આરોપી રવજીભાઈ ડાભી અને તેના મજૂરો કામ અર્થે આવતા હતા. બે દિવસ પહેલા સુપરવાઇઝરે મજૂરો પાસે સિમેન્ટના સેમ્પલ ક્યુબ ભરવાનું કામ કરાવ્યું હતું, જે બાબત રવજીભાઈને પસંદ આવી ન હતી. આ બાબતનું મનદુઃખ રાખી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.સુપરવાઇઝર સાઇટ પર ઉભા હતા, ત્યારે આરોપી લોખંડનો સળિયો લઈને ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ સળિયાનો એક ઘા માથા પર ઝીંક્યો હતો, પરંતુ હેલ્મેટના કારણે બચાવ થયો હતો. ત્યારબાદ આરોપીએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી “તેં મારા મજૂરો પાસે કેમ કામ કરાવ્યું?” તેમ કહી ફરી હુમલો કર્યો હતો. બચાવ કરવા જતાં તેમને ડાબા હાથની આંગળી પર સળિયો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. તે સમયે આરોપીએ સળિયાનો ત્રીજો ઘા માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાખોરે ધમકાવતા કહ્યું હતું કે, “તારું બહુ વધી ગયું છે, હવે મારા માણસો પાસેથી કામ લેતો નહીં, બાકી તને પતાવી નાખીશ.” આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.વી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.







































