દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં ૩૦ વર્ષીય મહિલા પર ગેંગરેપ થયા બાદ રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. આમ આદમી પાર્ટીએ આ ઘટના પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમે નિર્ભયા પાસેથી કંઈ શીખ્યા નથી. આ ઘટના સમગ્ર સમાજ માટે કલંક છે.”
આપ નેતા મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “દિલ્હીમાં વધુ એક નિર્ભયા ઘટના! ચાલતી બસમાં વધુ એક ગેંગરેપ! દિલ્હીમાં ભાજપના બધા એન્જીન ઠપ્પ થઈ ગયા છે. છોકરીઓ શાળાઓમાં સુરક્ષિત નથી, બસોમાં પણ સુરક્ષિત નથી.”
સોમવારે રાત્રે રાનીબાગ વિસ્તારમાં ચાલતી સ્લીપર બસમાં એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. માંગોલપુરીમાં એક ફેક્ટરીમાં કામ કરતી મહિલા કામ પછી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની. એવો આરોપ છે કે બસમાં રહેલા ડ્રાઇવર અને હેલ્પરએ તેના પર બળાત્કાર કર્યો હતો અને પછી નાંગલોઈ મેટ્રો સ્ટેશન નજીક તેને બસમાંથી ફેંકી દીધી હતી અને પછી ભાગી ગયા હતા. પોલીસે પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેના નિવેદનના આધારે કેસ નોંધ્યો હતો. પોલીસે આ મામલાની તપાસ કરી, બસ જપ્ત કરી, બંને આરોપીઓની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધા.
અહેવાલો અનુસાર, ૩૦ વર્ષીય મહિલા તેના પતિ અને બે બાળકો સાથે પીતમપુરા વિસ્તારમાં રહે છે. તેનો પતિ ક્ષય રોગથી પીડાય છે. તે માંગોલપુરીમાં એક ફેક્ટરીમાં કામ કરે છે. રાનીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર મુજબ, તે સોમવારે રાત્રે કામ પછી ઘરે પરત ફરી રહી હતી. સરસ્વતી વિહાર વિસ્તારમાં તે બસની રાહ જાઈ રહી હતી ત્યારે એક સ્લીપર બસ આવી. તેણે દરવાજા પર ઉભેલા વ્યક્તિને સમય પૂછ્યો.
એવો આરોપ છે કે આરોપીએ તેણીને બસની અંદર ખેંચી લીધી અને ડ્રાઇવરને બસ શરૂ કરવા કહ્યું. આ દરમિયાન બસમાં બે અન્ય આરોપીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો. તેમણે નાંગલોઈ મેટ્રો સ્ટેશન નજીક મહિલાને બસમાંથી ફેંકી દીધી અને ભાગી ગયા. પીડિતાની ફરિયાદ બાદ, પોલીસે રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે બસ દિલ્હી અને બિહાર વચ્ચે ચાલે છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા મંગળવારે બસ જપ્ત કરી, આરોપી ડ્રાઇવર અને હેલ્પરની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.










































