‘કલાઈનાર માગાલીર ઉરીમાઈ થોગાઈ’ના મે મહિનાના હપ્તામાં વિલંબ અંગે તમિલનાડુમાં રાજકારણ તેજ બન્યું છે. ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને મુખ્યમંત્રી વિજય પર નિશાન સાધ્યું, અને પ્રશ્ન ઉઠાવ્યો કે દર મહિનાની ૧૫મી તારીખ સુધીમાં આપવામાં આવનાર ૧,૦૦૦ ની સહાય હજુ સુધી કેમ જાહેર કરવામાં આવી નથી.

સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી, જેમાં જણાવ્યું હતું કે મે મહિના માટે ભંડોળ ૧૫ તારીખ સુધીમાં લાભાર્થી મહિલાઓના ખાતામાં પહોંચી જવું જોઈએ. હાલની યોજના ચાલુ રાખવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? કયા પ્રકારનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભામાં એક દિવસ પહેલા જ સરકારે દાવો કર્યો હતો કે દ્રવિડ મોડેલ સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે. સ્ટાલિને કટાક્ષમાં કહ્યું હતું કે જે સરકાર દર મહિને ૨,૫૦૦ આપવાનું વચન આપી હતી તે હવે ૧,૦૦૦ ની ચુકવણીમાં પણ વિલંબ કરી રહી છે. શું આ તમારો ફેરફાર છે?

હકીકતમાં, કલાઈનાર મહિલા અધિકાર સહાય યોજના પાછલી ડ્ઢસ્દ્ભ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેનું નામ સ્વર્ગસ્થ ડીએમકે નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ, પાત્ર મહિલાઓને દર મહિને ૧,૦૦૦ ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

વિજય સરકારે સ્પષ્ટતા કરી છે કે લાભાર્થી મહિલાઓને મે મહિનાનો હપ્તો ટૂંક સમયમાં જ આપવામાં આવશે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યોજનાનું પુનર્ગઠન કરવામાં થોડો સમય લાગે છે, પરંતુ મુખ્યમંત્રી જાસેફ વિજયે નિર્દેશ આપ્યો છે કે મે મહિના માટે ૧,૦૦૦ ની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવે.

વિજયે એવી પણ જાહેરાત કરી કે સરકારી અધિકારીઓ અને શિક્ષકો માટે હાલનો ૫૮ ટકા મોંઘવારી ભથ્થો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી વધારીને ૬૦ ટકા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ વિધાનસભા ચૂંટણી પહેલા, વિજયની પાર્ટી, ટીવીકેએ તેના ચૂંટણી વચનોમાં ૬૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને ૨,૫૦૦ ની માસિક સહાયની જાહેરાત કરી હતી. હવે, યોજના ભંડોળ જાહેર કરવામાં વિલંબને લઈને વિપક્ષ સરકાર પર હુમલો કરી રહ્યો છે.