શહેરમાં ચોમાસા પહેલા ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરે તેવી ગેરરીતિ સામે છસ્ઝ્રએ કડક વલણ અપનાવતા કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખનાર દુકાનને સીલ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન શાહીબાગ વોર્ડ વિસ્તારમાં નમસ્કાર સર્કલ પાસે પ્રિ-મોન્સુન કામગીરી તેમજ સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અધિકારીઓએ કેચપીટની અંદર ફૂડ વેસ્ટ અને અન્ય કચરો જાવા મળતા તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે નજીક આવેલી એક દુકાન દ્વારા કેચપીટમાં ફૂડ વેસ્ટ નાંખવામાં આવ્યો હતો. જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા સર્જાઈ હતી. જણાવ્યા મુજબ પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન આવી બેદરકારીને ગંભીર ગણવામાં આવે છે, કારણ કે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા માટે આવા કચરાના નિકાલને મોટું કારણ માનવામાં આવે છે.
આ સમગ્ર મામલે એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સંબંધિત દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળો, કેચપીટ અથવા ડ્રેનેજ લાઇનમાં કચરો નાંખનાર સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
એએમસી દ્વારા શહેરભરમાં પ્રિ-મોન્સુન કામગીરી તેજ કરવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઇનની સફાઈ, કેચપીટ ક્લિનિંગ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારુ બનાવવા વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્રએ નાગરિકો અને વેપારીઓને પણ જાહેર સ્થળે કચરો નાંખવાનું ટાળવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.







































