પ્રેમ અને સમાજના સંઘર્ષમાં જ્યારે કોઈ રસ્તો નથી મળતો ત્યારે ઘણા યુવા હૈયાઓ મોતનો માર્ગ પસંદ કરી લેતા હોય છે. આવો જ એક કાળજું કંપાવી દે તેવો અને અત્યંત હૃદયદ્રાવક કિસ્સો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં માત્રાસણ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. બંનેના મૃતદેહ જે અવસ્થામાં મળી આવ્યા, તે જાઈને ભલભલા કઠણ કાળજાના માનવીની પણ આંખો ભીની થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, બહુચરાજીના માત્રાસણ ગામ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં કોઈ કારણોસર એક યુગલે પડતું મૂક્યું હતું. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં જ કેનાલના કાંઠે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને મહેસાણા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા પારખીને મહેસાણા ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો પ્રવાહ અને કેનાલની ઊંડાઈ વચ્ચે ફાયરના જવાનોએ યુવક-યુવતીની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ કલાક સુધી પાણીમાં ચાલેલા સઘન રેસ્ક્યુ ઓપરેશનના અંતે બંનેના મૃતદેહોને શોધી કાઢવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.
આ ઘટનાનો સૌથી ચોંકાવનારો અને કરુણ વળાંક એ હતો કે, જ્યારે ફાયર વિભાગ દ્વારા બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારે યુવક અને યુવતી એકબીજાને ચુસ્ત રીતે ભેટી પડેલી (વળગેલી) હાલતમાં મળી આવ્યા હતા. આ દ્રશ્ય એટલું ભાવુક હતું કે ઘટનાસ્થળે હાજર લોકો અને પોલીસ અધિકારીઓ પણ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો જ હોવાનું સ્પષ્ટપણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે બંનેના મૃતદેહોનો કબજા મેળવી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. હાલમાં બંને મૃતકો કયા ગામના છે, તેમની ઓળખ શું છે અને ક્યા સામાજિક કે પારિવારિક સંજાગોને વશ થઈને તેમણે આવું આત્યંતિક પગલું ભર્યું? તે તમામ દિશામાં પોલીસે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.








































