ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનમાં ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે કારણ કે ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ દ્વારા અનેક નિયમોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ મુદ્દા પર એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બોર્ડ ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરશે, જે સતત પ્રોટોકોલ ઉલ્લંઘનો પર વધુ કડક કાર્યવાહી કરશે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ વાત કરતા જણાવ્યું હતું કે કેટલાક ટીમ માલિકો અને અધિકારીઓ ખેલાડીઓ સાથે એવા વિસ્તારોમાં જઈ રહ્યા છે જ્યાં તેમના પર સખત પ્રતિબંધ છે. અમે આ બાબતોને ખૂબ ગંભીરતાથી લીધી છે. તમે પહેલાથી જ રાજસ્થાન રોયલ્સના મેનેજરને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા પકડાયા અને એક ખેલાડી વેપિંગ કરતા પકડાયાની ઘટનાઓ જાઈ હશે. આ ઘટનાઓ પહેલાથી જ જાહેર ક્ષેત્રમાં છે. અમે ખાલી બેઠા નથી. કેટલાક અનધિકૃત વ્યક્તિઓ ટીમ બસમાં ખેલાડીઓ સાથે મુસાફરી કરી રહ્યા છે અને ટીમ હોટલમાં રોકાઈ રહ્યા છે. આ વ્યક્તિઓ પરવાનગી વિના ખેલાડીઓ અને અધિકારીઓના રૂમમાં પ્રવેશ કરી રહ્યા છે. આ બધું બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલની વિરુદ્ધ છે.
વર્તમાન આઈપીએલ સીઝનમાં, ઘણા ભારતીય ખેલાડીઓ વારંવાર તેમની ગર્લફ્રેન્ડ સાથે ફરતા જાવા મળ્યા છે, જેમાં એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ઇશાન કિશન સૌથી અગ્રણી ખેલાડીઓમાં સામેલ છે.બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે નવી સલાહને અનુસરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તે ખેલાડી હોય કે ટીમના અધિકારી. નોંધનીય છે કે રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ ૧૦૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને બોર્ડ દ્વારા કડક ચેતવણી આપવામાં આવી હતી. વધુમાં, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગના ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરવાની ઘટનાને પણ ખૂબ ગંભીરતાથી લીધી હતી.