લાઠી તાલુકાના મતીરાળા ગામ પાસેથી પસાર થતી અને છેલ્લા ઘણા વર્ષોથી મૃતપ્રાય અવસ્થામાં રહેલી ઝમકુડી (ઝરખડી) નદીને પુનર્જીવિત કરવા માટે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધોળકિયા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના હસ્તે આશરે ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાના કાર્યનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યને વેગ આપવા માટે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ હાલમાં ૨૨ હિટાચી, ૨૦ ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો સહિતની વિશાળ મશીનરી દિન-રાત કાર્યરત છે.
ડી.પી.આર. મુજબ આશરે ૯.૬ કિલોમીટરના વિસ્તારમાં નદીના ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા માળવિયા પીપરીયા, વરસડા, મતીરાળા અને કૃષ્ણગઢ જેવા આજુબાજુના અનેક ગામોના ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે અને ખેતી માટે સિંચાઈની સુવિધા સુદ્રઢ બનશે. આગામી સમયમાં ઝમકુડી નદી પર થયેલી આ જળસંચયની ઉમદા કામગીરી સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડશે તેવું જાણવા મળી રહ્યું છે.










































