આજે ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે લેવામાં આવેલી આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. જે હવે સમાપ્ત થઈ છે. આ વર્ષે કુલ મળીને લગભગ ૬.૨૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાં વિજ્ઞાન પ્રવાહના ૧,૧૯,૨૬૩ અને સામાન્ય પ્રવાહના ૫,૦૧,૨૮૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ૧૫૬ કેન્દ્રોમાં ૧,૧૧,૨૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૯૩,૬૮૭ વિદ્યાર્થીઓ સફળ થયા છે અને કુલ પરિણામ ૮૪.૩૩ ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું છે. જાકે કેટલાક જિલ્લાઓ વચ્ચે પરિણામમાં મોટો તફાવત જાવા મળ્યો છે. મોરબી જિલ્લો ૯૪.૮૫ ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. જ્યારે દાહોદ જિલ્લો ૫૭.૪૪ ટકા પરિણામ સાથે છેલ્લે સ્થાન પર રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે કેટલીક જગ્યાએ શિક્ષણની ગુણવત્તા વધુ સારી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ સુધારાની જરૂર છે.
સામાન્ય પ્રવાહમાં આ વર્ષે ૪,૩૫,૧૦૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૪,૦૩,૩૬૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ૯૨.૭૧ ટકા આવ્યું છે, જે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ પ્રવાહમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બંનેએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીનીઓનું પાસ પ્રમાણ ૯૫.૪૧ ટકા રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પાસ પ્રમાણ ૯૦.૧૦ ટકા છે. આથી સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થીનીઓએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત, આહવા ડાંગ જિલ્લો ૯૭.૮૮ ટકા સાથે સૌથી આગળ રહ્યો છે.
રાજ્યભરમાં કેટલાક કેન્દ્રોએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં તડાવ, કોટડા, કાંગવાઈ અને પ્રશ્નવાડા કેન્દ્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ, અમદાવાદ જિલ્લો ૮૭.૧૦ ટકા પરિણામ સાથે સામાન્ય પ્રવાહમાં છેલ્લા સ્થાને રહ્યો છે. આ પરિણામો રાજ્યના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સૂચક છે અને ભવિષ્યમાં સુધારા માટે માર્ગદર્શક બની શકે છે. કુલ મળીને, આ વર્ષે વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે, જે તેમના મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે.










































