બાળસાહિત્યના પુસ્તકો આધારિત પારિતોષિક માટે, સ્પર્ધામાં ભાગ લેવા અંગેની જાહેરાત ૧૫ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ કરાશે

પ્રતિ બે વર્ષે અપાતા રાજ્યના “અંજુ-નરશી પારિતોષિક” (બાળસાહિત્યના પુસ્તકો આધારિત શ્રેણી સિવાયના પારિતોષિક) વર્ષ ૨૦૨૫-૨૬ માટેના વિજેતાઓના નામની જાહેર કરવામાં આવી છે. જે મુજબ અંજુ-નરશી યુથ આઇડેન્ટિટી એવોર્ડ ‘લોકભારતી યુનિવર્સિટી’ના પ્રો.વાઇસ ચાન્સેલર તથા ઉત્તમ સર્જક ડા. વિશાલ ભાદાણીને, તેઓ દ્વારા નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળીના કેળવણીલક્ષી પ્રયોગોને આગળ ધપાવવા માટેના પ્રયત્નો હેતુ માટે એનાયત કરાશે. અંજુ-નરશી જીવનસંઘર્ષ સન્માન છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી, જીત મેળવીને સ્મ્મ્જી નો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ, હાલ સર.ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે સેવા બજાવતા માત્ર ત્રણ ફૂટની વામન કદકાઠી ધરાવતા વિરાટ વ્યક્તિ એવા ડા. ગણેશ બારૈયાને એનાયત કરાશે. અંજુ-નરશી પુરાતત્વ વિદ્યા સન્માન બાલાસિનોરના રૈયોલી ગામ પાસે આવેલ ‘ડાયનાસોર પાર્ક’ની છેલ્લા ત્રીસ વર્ષથી રખેવાળી કરનાર અને અભ્યાસુ પુરાતત્વવિદોને પણ પાછળ મૂકી દે એવું જ્ઞાન ધરાવનાર, સમર્પિત ચોકીદાર એવા ડાયાભાઈ ગોરાભાઈ ચૌહાણને એનાયત કરાશે. અંજુ-નરશી સમાજ સેવા સન્માન- કોકિલા વિકાસ આશ્રમ, સોનાપુર (ગોહપુર), આસામના સ્થાપક, હરેશકુમાર મનસુખલાલ ભટ્ટને ગ્રામીણ પ્રજામાં આમૂલ પરિવર્તન લાવવાની અનોખી યાત્રામાં પોતાનું જીવન સમર્પિત કરનારને એનાયત કરાશે. અંજુ-નરશી લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ- બાળસાહિત્યના અમૂલ્ય સર્જન થકી નવી પેઢીમાં સંસ્કારોનું ઉમદા સિંચન કરવાના અભિનવ પ્રયાસ માટે, ડા. આઈ. કે. વીજળીવાળાને એનાયત કરાશે. અંજુ-નરશી ગુર્જર બાળસાહિત્ય વૈભવ સન્માન બાળસાહિત્યના અમૂલ્ય સર્જન થકી, વિજ્ઞાનકથાઓના માધ્યમથી, બાળપેઢીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાના પ્રયાસ માટે, ડા. કિશોર પંડ્‌યાને એનાયત કરાશે. સ્વ. જામભા ઝાલા સમાજસેવા સન્માન છેલ્લા પાંચ દાયકાથી ઉમદા આરોગ્યસેવાની સાથે સમાજમાં માનવીય મૂલ્યોનું સ્થાપન કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરનાર ડા. જી.વી. કળથિયાને એનાયત કરાશે. સ્વ. ધરમશીદાદા મોરડિયા જ્ઞાનગુરુ સન્માન વિજ્ઞાન વિષયને બહુ સરળતાથી અને રસપ્રદ રીતે શીખવનાર શિક્ષક અસ્મિતા એચ. પટેલ (અપર પ્રાયમરી શિક્ષક, ફરેડી પ્રાથમિક શાળા, તા.મોડાસા, જિ. અરવલ્લી)ને એનાયત કરાશે. સ્વ. નાનુદાદા વીડિયો શિક્ષણસેવા સન્માન સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક અને “પુસ્તક પરબ” ચલાવી સામાજિક જાગૃતિ સાથે જ્ઞાનસંવર્ધક પ્રવૃત્તિઓ કરતા રાઘવજીભાઈ ડાભીને એનાયત કરાશે. સ્વ.જાદવબાપા ધામેલિયા (મોજડી) લોકકલા-સાહિત્ય સન્માન સુપ્રસિધ્ધ લોકગાયિકા સ્વ. મીનાબેન પટેલને એમના સાડા ત્રણ દાયકાના ગાયન ક્ષેત્રના ઉમદા પ્રદાન માટે (મરણોત્તર સન્માન) એનાયત કરાશે. અંજુ-નરશી માતૃભાષા સંવર્ધક સન્માન માતૃભાષા ગુજરાતી અને તેનાં શાસ્ત્રીય સ્વરૂપને, શિક્ષકો અને બાળકો આત્મસાત કરી, જોડણીની રીતે તેને યથાર્થ સ્વરૂપમાં લખતાં થાય, તે માટેના ઉત્કૃષ્ઠ પ્રયાસો માટે રાજેશ ધામેલિયાને એનાયત કરાશે.આ એવોર્ડ અર્પણ સમારોહ બાળસાહિત્યના પુસ્તકો આધારિત પારિતોષિક વિજેતાઓની પસંદગી થયા બાદ સંયુક્ત રૂપે વર્ષ ૨૦૨૭માં યોજાશે. બાળસાહિત્યના પુસ્તકો આધારિત પારિતોષિક માટે, સ્પર્ધામાં ભાગ લેવા અંગેની જાહેરાત ૧૫ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ કરાશે.