ફેરોમોનનો ઉપયોગઃ- અઠવાડીક ખેતી કાર્યો જીવાત નિયંત્રણમાં ફેરોમોનનો ઉપયોગ જીએપીનું એક અગત્યનું અંગ છે. જીવાત વ્યવસ્થાપનમાં ફેરોમોનનો ઉપયોગ જીવાત ઉપર દેખરેખ રાખવા માટે, જંતુનાશક દવાના છંટકાવનો સમય નક્કી કરવા માટે, જીવાતને પકડીને સામૂહિક રીતે નાશ કરવા માટે અને સમાગમ વિક્ષેપન માટે વપરાય છે. શેરડીના જુદા જુદા વેધકો, પાન ખાનાર ઇયળ, લીલી ઇયળ, ગુલાબી, કાંટાવાળી, તેમજ ટપકા વાળી ઇયળો, રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ, ફળ માખી,હીરાકૂદીની ઇયળ વગેરેના નરને આકર્ષીને મારતા ટ્રેપનો ઉપયોગ આ જીવાતોના નિયંત્રણ માટે કરી શકાય. રીંગણના તેમજ ચણાના પાકમાં આ પધ્ધતિ અસરકારક સાબિત થઇ છે. નાળિયેરીની વાડીમાં ચાંચવામાં તેમજ ગેંડાના પુખ્ત કીટકોને આકર્ષીને મારતા ટ્રેપ બજારમાં ઉપલબ્ધ છે. ચીકુની કળી કોરી ખાનાર ઇયળો માટે કાળી તુલસીના પાનનો રસનો ઉપયોગ કરી ટ્રેપ મૂકવાથી આ ઇયળની નર ફૂદીને આકર્ષી નાશ કરી તેની સંખ્યા ઘટાડી શકાય છે. કપાસની ગુલાબી ઇયળના નિયંત્રણમાં ફેરોમોન આધારિત સમાગમ વિક્ષેપન પધ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. વેલા વાળા શાકભાજી પાકો જેવાકે ગલકા, તુરીયા, દુધી, કારેલા અને ફળ પાકો જેવાકે તરબુસ અને શાકરટેટીમાં ફળમાખીના નિયત્રણ માટે ફળમાખી ટ્રેપ મુકવાથી ફાયદો થાય છે.
જૈવિક નિયંત્રકોનો ઉપયોગ અને તેનું સંરક્ષણઃ-
• બજારમાં વેપારી ધોરણે મળતા ટ્રાઇકોગ્રામાને પ્રતિ હેક્ટર દોઢ લાખ પ્રમાણે, લીલી ઇયળનાં ઇંડા દેખાય ત્યારથી શરૂઆત કરીને પાકની અવધિ દરમિયાન, પાંચ થી છ વખત છોડવાથી લીલી ઇયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
• ખેતરના એક ખૂણે એકાદ ગૂંઠામાં કાસીન્દ્રો, મકાઇ, તમાકુ, ગલગોટા ઉગાડી પરજીવી અને પરભક્ષી કીટકોનું અભયારણ્ય ( એન્ટોમોફોગ પાર્ક) બનાવવાથી જૈવિક નિયંત્રકોની વસ્તી વધે તેમજ જળવાઇ રહે છે.
• બી.ટી.કે. નામના બેક્ટેરિયાના પાવડરનો પ્રતિ હેક્ટરે અર્ધાથી કે એક કિલોગ્રામના પ્રમાણમાં ઉપયોગ કરવાથી લીલી ઇયળ, કોબીજની હીરાફૂદી, પાન ખાનાર ઇયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે
• બજારમાં પાન ખાનાર ઇયળ અને લીલી ઇયળ માટે વાઇરસ (એન.પી.વી.) ઉપલબ્ધ છે તેનો પધ્ધતિસર ઉપયોગ કરવો જોઇએ.
• કપાસના મુખ્ય પાકમાં છોડની કુલ સંખ્યાના પાંચ ટકાના પ્રમાણે મકાઇના છોડની વાવણી કરવાથી તેના ઉપર આવતી મોલોનો ( જે કપાસની મોલો કરતા જુદી હોય છે ) ઉપદ્રવ વહેલો શરૂ થતાં તેને ખાવા માટે પરભક્ષી દાળિયા ?
• ઢાલિયા કીટકો આવે છે અને તેમની વસ્તી વધતાં કપાસ ઉપર આવતી મોલોનું નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે.
• ઇયળો અને મીલીબગના નિયંત્રણ માટે બોવેરીયા બેઝીઆના જૈવિક ફુગનો ઉપયોગ કરવો જોઇએ.
• નેમેટોડ્નાં નિયંત્રણ માટે પેસીલીયોમાઇસીસ લીલાસીનસ જૈવિક ફુગનો ઉપયોગ કરવો જોઇએ.
• સુકારા/મુળખાઇ જેવા ફુગ જન્ય રોગો માટે ટ્રાયકોડરમાં વિરીડી જૈવિક ફુગ વાપરવાથી ફાયદો થતો હોય છે.
મગફળીઃ-
• મગફળી ઉપાડ્યા પછી તે જ બીજનું તુરંત વાવેતર કરવું નહિ તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
• જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડીયું સુકાયા બાદ, પાથરા ફેરવી, ડોડવામાં ૮ ટકા ભેજ હો ત્યારે થ્રેસિંગ કરવું
• આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુધ્ધ દિશામાં વાવેતર કરવું.
તલઃ-
• ઉનાળુ તલ પણ તેમજ ઘેટા પીળા પડી જાય પછી કાપણી કરી, ઉભડા કરવા તે પછી સુકાઈ જાય પછી ખેરી તલનું ગ્રેડીંગ કરી કોથળા ભરી લેવા.
કપાસઃ-
• જમીનને ખેડ કરી સમતલ બનાવો ઢાળ ઓછો કરો અને આ માસમાં છાણીયું (કમ્પોસ્ટ) ખાતર ચાસમાં ભરી દેવું.
• કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો.
• મીલીબગ વાળી તેમજ જીંડવાવાળી કરાંઠીને ઉપાડીને બાળી નાખવી અથવા તો બળતણ તરીકે સંગ્રહ કરવાનો હોય તો ઢગલાની ફરતે એક મીટર પહોળો મીથાઈલ પેરાથીઓનનો પટ લગાવવો.
જુવારઃ-
• દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
બાજરીઃ-
• બાજરી પાકને ફૂલ અવસ્તાએ આવશ્યક પિયત આપવું .
• બાજરીનાં ડુંડાને દબાવાથી દાણા છુટા પડે ત્યારે લણવા.
• કુતુલ / તળછારો રોગ જણાય તો મેટાલેક્ષિલ એમઝેડ ૭૨ વેપા ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.
શાકભાજીઃ-
• શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા.
• જુદા જુદા પાકો જેવા કે શાકભાજી, કપાસ, ડાંગર,શેરડી વગેરે માટે નોવેલ પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
• મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાના જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.
આદુ: વાવેતર સમય
• આદુની રોપણી એપ્રિલના અંતથી મે માસમાં જમીન તૈયા૨ કરી વાવેતર કરી શકાય છે. રોપણીમાં તંદુરસ્ત આખો ધરાવતી અંગુલી ગાંઠોનો ઉપયોગ ક૨વામાં આવે છે
બિયા૨ણનો દ૨:
• આદુના પાકમાં બિયારણમાં લીધેલ અંગુલી / માતૃ ગાંઠોને બીજથી થતા રોગો જેવા કે કંદનો કોહવારો, થડનો કોહવારોના નિયંત્રણ માટે મેટાલેક્ષીલ પાણીમાં ઓગાળી દ્રાવણમાં બિયારણની ગાંઠોને ૩૦ મિનિટ સુધી રાખીને, ગાંઠોને સૂકવ્યા બાદ વાવેતરમાં ઉપયોગ કરવો
બાગાયત:
• દાડમની ખેતીમાં ગાઠયા કૃમિનું નિયંત્રણ માટે દાડમની ખેતી કરતા ખેડૂતોને ગાંઠયા
કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે યોસીનોમાયસીસ લીલાસીનસ (૨*૧૦ બીજાણું/ગ્રામ) ૨૦ કિ.ગ્રા/કે + દિવેલી ખોળ ૨ ટન /હે.ચોમાસાની શરૂઆતમા અને ત્યારબાદ દર ૬ માસના આંતરે થડથી ૧૨ થી ૧૮ ઈંચ દુર તથા આશરે ૯ ઈંચ ઊંડી રીંગ કરીને જમીનમાં મૂળની નજીક આપવાની ભલામણ કરવામાં આવે છે.
• કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે ‘કેળની ગણદેવી સિલેકશન’ જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.
• પપૈયામાંવધુ ઉત્પાદન માટે સુક્ષ્મ તત્વોનો છંટકાવ ઝીંક સ્લ્ફેટ ૨૪.૦ ગ્રામ અને બોરોન ૧૦.૦ ગ્રામ પ્રતિ લીટરે મુજબ ફેર રોપણીના બીજા અને ચોથા મહિને છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.
• મગ નીશીંગોની કાપણી વહેલી સવારે કરવી.
• મગના ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કોર્બન્ડાઝીમ ૦.૦૨૫ % અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫ % અથવા દ્રાવ્ય ગંધક ૦.૨ % અથવા સેન્દ્રીય ખેતી માટે લીમડાનાં મીંજનું દ્રાવણ ૫ % મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
શેરડીઃ-
• શેરડીમાં તડતડીયા અને સફેદ માખીના નિયંત્રણ માટે લીબોળીમાંથી બનાવેલ ૫% દ્રાવણ ૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
સેન્દ્રીય ખેતીના ફાયદાઓઃ-
૧.જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થતિ સુધારે છે. જેથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઉત્તરોત્તર વધારો થાય છે.
ર. સેન્દ્રિય ખેતી પાકને અનુકૂળ પરિસ્થતિ પુરી પાડે છે. જેથી પાકનો વિકાસ સારો થાય છે પરિણામે પાકમાં રોગ જીવાત સામે પ્રતિકાર શકિત ઉભી થાય છે. સરવાળે વધુ અને સારી ગુણવત્તાવાળું પાક ઉત્પાદન મળે છે.
૩. સેન્દ્રીય ખેતીમાં ખેતી માટે જરૂરી ખેત સામગ્રી બને ત્યાં સુધી ખેતરમાં તૈયાર થતી હોય તેવી વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. (દા.ત. બિયારણ, સેન્દ્રીય ખાતર વિગેરે) તેથી ખેતી ખર્ચ ઘટાડી સ્વનિર્ભર ખેતીનો વિકાસ કરે છે.
૪. સેન્દ્રીય ખેતી દ્વારા જમીન, હવા અને પાણીનું પ્રદુષણ અટકાવી શકાય છે.
પ .સેન્દ્રીય ખેતી દ્વારા ઉત્પાદિત થતો ખોરાક ઝેરી રસાયણોથી મુકત હોઈ વિકસીત દેશોમાં તેની માંગ વધતી જાય છે અને ભાવો પણ સારાં મળતાં થયા છે.
ખોળનો વપરાશઃ
• દિવેલા, મગફળી, તલ, કપાસિયા,કરંજનો ખોળ, લીંબોળી તેમજ નાળિયેર વિગેરેના ખોળનો જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે સેન્દ્રિય ખાતર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ખોળમાં પોષક તત્વોનું પ્રમાણ સામાન્ય સેન્દ્રીય ખાતરો કરતાં પાંચથી દસ ગણું વધારે હોવાથી ખાતર તરીકે ખેત ઉત્પાદન વધારવા અસરકારક રીતે વાપરી શકાય છે.
નિકાસ દ્વારા વૈશ્વિક બજારોમાં સારા ભાવ મેળવવા માટે ધ્યાનમાં રાખવાના મુદાઃ
• કરાર આધારિત ખેતી પધ્ધતિ દ્વારા ખેડૂતોએ નિકાસકાર કંપની કે વેપારી સાથે સમન્વય કરવો જોઈએ.
• ખેડૂતોએ પોતાની પેદાશ ક્યાં આંતરાષ્ટ્રીય બજારમાં વેચવાથી વધુ ભાવ મળે તે નક્કી કરવું જોઈએ.
• આંતરાષ્ટ્રીય બજારમાં કઈ પધ્ધતિથી વેચાણ કરવું તે નક્કી કરવું જોઈએ જેમ કે, સીધું વેચાણ અથવા એજન્ટ દ્વારા વેચાણ.
• જંતુનાશકોના અવશેષો રહિત ઉત્પાદન મળે તેવું અગાઉથી જ આયોજન કરવું જોઈએ.
• ખેત પેદાશોનો બગાડ ન થાય તેના માટે યોગ્ય ગ્રેડિંગ કરી આકર્ષક પેકિંગ કરવું જોઈએ.
પશુઓ માટે બાયપાસ ફેટ ખવડાવવાના ફાયદાઓ ઃ-
• વધુ દુધ ઉત્પાદન આપતી તાજી વિયાયેલી ગાય-ભેંસની શકિતની જરૂરીયાત ચીલાચાલુ ખોરાક આપવાની પધ્ધતિથી પુરી પાડી શકાતી નથી. તેથી આવી ગાય-ભેંસના દાણમાં બાયપાસ ફેટ ઉમેરવાથી
• તેમની શકિતની જરૂરીયાત પુરી પાડી શકાય છે.
• દુધ ઉત્પાદનમાં વધારો થાય અથવા દુધ ઉત્પાદન જળવાઈ રહે છે.
• દુધમાં રહેલ ફેટ ચરબીના ટકા વધે છે.
• ખોરાક વપરાશની ક્ષમતા વધે છે.
• સરેરાશ યુનિટ દિઠ દુધ ઉત્પાદનમાં વધુ વળતર મળે છે અને વિયાણ બાદ સગર્ભા થવાના સમય (ફલન કાળ)માં ઘટાડો થવાથી વધુ આથર્કિ ફાયદો મેળવી શકાય છે.
દૂધાળા પશુઓનો આહાર ઃ
• પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦ ટકા ખર્ચ ખોરાકનો થાય છે માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.
• દૂધાળા ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ ટકા જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની જરૂર પડે છે. જાનવરની કુલ
જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો ચારો હોવો જોઇએ એટલે કે દૂજણા ઢોરને દૈનિક ઓછામાં ઓછા ૨૦ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઇએ. તેમાં પણ શક્ય હોય તો ૪ થી ૭ કિ.ગ્રા. રજકો /ચોળી/ગુવાર અને ૮ થી ૧૨ કિ.ગ્રા. મકાઇ/જુવાર/ઓટ આપવા જોઇએ. એટલે કે એક ભાગ કઠોળ વર્ગ અને બે ભાગ ધાન્ય વર્ગનો ઘાસચારો આપવો જોઇએ. આમાંથી દૂજણા ઢોરને જોઈતું પ્રોટીન કેલ્સિયમ અને વિટામિન્સ મળી રહે છે.
• દૂધાળા ઢોરને સૂકો ચારો દરરોજ ખાઈ તેટલો આપવો જોઇએ. લીલાચાર અને સૂકાચારને ટુકડાં કરી મિશ્ર કરી આપવાથી ચારાનો બગાડ અટકશે અને તેની સાથે સાથે તેના પાચનમાં પણ વધારો થશે.
• લીલાચારની અછતમાં સાયલેજ અને ઉનાળામાં મળતાં લીલા ઝાડ પાન પણ લીલાચારા તરીકે ખવડાવી શકાય. પશુનો ચારો તાજો, સારો, સ્વચ્છ હોવો જોઇએ અને બગડેલો કે ફૂગવાળો ન હોવો જોઇએ.












































