ગુંદા. જેને ઈંડિયન ચેરી અને ગ્લૂબેરી પણ કહેવાય છે. આ એક જંગલી ફળ છે. જે ભારતમાં ઊંચા પહાડી વિસ્તારને છોડીને અન્ય જગ્યાએ મળી શકે છે. ગુંદા ફક્ત મે થી જુલાઈની વચ્ચે જોવા મળે છે. ગુંદા ફળ સ્વાદમાં મીઠું હોય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં ઔષધીય ગુણો પણ હોય છે. ગુંદા ફ્રુટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વસા અને ફાઈબર સૌથી વધારે જોવા મળે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, આયરન, અને પેક્ટિન પણ પ્રચૂર માત્રામાં હોય છે. આ ફળ ફેનોલિક યૌગિકનો પણ સારો એવો સ્ત્રોત છે. આ ફળ જ્યારે કાચુ હોય છે, ત્યારે તેની શાકભાજી બનાવીને ખાઈ જાય છે. તેનું અથાણું પણ બનાવામાં આવે છે. તેના પત્તા અને લાકડા પણ કેટલીય બીમારીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પત્તાનો ઉપયોગ ઔષધીય તરીકે અને પશુઓના ચારા તરીકે થાય છે. ગુંદાના લાકડાનો ઉપયોગ ખેતીના સાધનો વગેરેમાં કરી શકાય છે.
ગુંદા ખાવાના ફાયદા
ગુંદામાં એન્ટી ડાયબિટિક ગુણ હોય છે, તેના સેવનથી ડાયાબિટીઝનો ખતરો ઓછો થાય છે. સાથે જ બ્લડ શુગર પણ કંટ્રોલ થઈ જાય છે.
આ ફળ ધાધર, ખંજવાળ જેવી સ્કિન સમસ્યાઓ માટે ખૂબ જ રાહત આપે છે.ગુંદાના પાનને પીસીને તે ઘા પર લગાવવાથી ઘા જલ્દી ઠીક થવા લાગે છે.
ગુંદા ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે, જે ઉનાળામાં થતી શરદી, ઉધરસ અને ગળાની તકલીફોમાં રાહત આપે છે.
આ અનોખા ફળને ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં એન્ટી કેન્સર અને એન્ટી એલર્જિક પ્રોપર્ટી પણ જોવા મળે છે.
ઉનાળામાં મળતું ઔષધીય ફળ જે પાચન સુધારવા, સાંધાના દુખાવામાં રાહત, કબજિયાત દૂર કરવા ફાયદાકારક છે. તેમાં રહેલા ચીકણા ગુણો આંતરડાની શુષ્કતા ઘટાડે છે તે અસ્લર માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.ગુંદા નું અથાણુંઃ-૫૦૦ ગ્રામ ગુંદા,૨૫૦ ગ્રામ રાજાપુરી ‌ કેરી,૨૫૦ ગ્રામ અથાણાંનો મસાલો,૨૫૦ ગ્રામ સીંગતેલ,મીઠું સ્વાદ મુજબ
પધ્ધતિ :-સૌથી પહેલાં ગુંદા ને ધોઈ કપડાં‌થી કોરા‌ કરી લો,હવે ગુંદાને ફોળી તેમાં મીઠું અને
છરી‌થી તેના ‌ બી કાઢી લો.હવે એક વાસણમાં મસાલો અને કેરીનો છીણ મિક્સ કરી બધા‌ ગુંદા ભરી લો.હવે તેલને ગરમ કરી એકદમ ઠંડુ થાય એટલે તેમાં ઉપરથી ઉમેરો.હવે ૨/૩ દિવસ હલાવતા રહેવું અને કાચની બોટલ માં ભરી ૧ વર્ષ સુધી ખાઈ શકાય છે.
ભરેલા ગુંદાનું શાક સામગ્રીઃ- ૫૦૦ ગ્રામ ગુંદા,૧ નાની વાટકી કાચી કેરી,૨ વાટકી ચણાનો લોટ,૧ ટી.સ્પૂન જીરું,મીઠું સ્વાદ અનુસાર,૧ ટી.સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર,૧ ટી.સ્પૂન હળદર,૧ ટી.સ્પૂન રાઈ,૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો,૧ ટી.સ્પૂન લીંબુનો રસ,૧ ટી.સ્પૂન ખાંડ,૨ ટી.સ્પૂન તેલ,
પધ્ધતિ :-સૌથી પહેલાં ગુંદાને ધોઈ કપડાંથી કોરા‌ કરી લો,હવે ગુંદાને ફોળી તેમાં મીઠું અને છરી‌ થી તેના ‌ બી કાઢી લો.ગુંદા
ભરવાનો મસાલો બનાવવા માટે ચણાનાં લોટમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો લીંબુ, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો ગુંદામાં ભરી દો.હવે ગુંદા ને ઢોકડીયા માં ૧૫ મિનિટ માટે બાફવા મૂકી દો.વઘાર માટે એક કડાઈમાં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ, જીરું ઉમેરી તેમાં કાચી કેરી ઉમેરો અને પછી તેમાં ગુંદા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.તો તૈયાર છે ભરેલા ગુંદા નું શાક.
પાકાં ગુંદાનું શાક સામગ્રીઃ- ૨૫૦ ગ્રામ – કાચાં ગુંદા,૧ ચમચી – મીઠું,૧\૨ ચમચી – ધાણાજીરુ,૧\૨ ચમચી – કાશ્મીરી લાલ મરચું,૧\૪ ચમચી – રાઈ,૧\૪ ચમચી – હળદર,ચપટી – હીંગ,૨ ચમચી – તેલ,૧\૨ ચમચી – આમચૂર પાવડર
પધ્ધતિ ઃ-સૌથી પહેલાં ગુંદાને ધોઈ કપડાંથી કોરા‌ કરી લો, હવે ગુંદાને ફોળી તેમાં મીઠું અને છરી‌ થી તેના ‌ બી કાઢી લો, હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી તતડે એટલે હીંગ ,હળદર અને ગુંદા ઉમેરી ૨ મિનિટ હલાવો, પછી ઢાંકણ ઢાંકી ૨ મિનિટ માટે રાખી લો, વચ્ચે વચ્ચે હલાવતાં રહો એકાદ મિનિટ માટે.પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને ધાણાજીરુ ઉમેરી સરસ ભેળવી લો, ૧\૨ મનિટ પછી તેમાં આમચૂર પાવડર ઉમેરી સરસ હલાવી લો. ગેસ બંધ કરી બાઉલમાં કાઢી લો , રોટલી સાથે પીરસો.
ગુંદાની મોગર નું શાક. (ગુંદા નો મોર)
બનાવવાની રીત ઃ-જીરું તથા કાંદા , આદુ લસણ મરચાની ચટણીનો વઘાર કરી,ગુંદાનો મોર તેમજ ગરમ મસાલો, તજ લવિંગ સૂકા મરચા, લાલ મરચું, ધાણાજીરું,સહેજ હળદળ, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી શાકને ચડવા દો, અડધું ચઢ્યા બાદ થોડું મોળું દહીં ઉમેરી ફરીથી ખુલ્લું ચઢાવો, ચડી ગયા બાદ નીચે ઉતારી કોથમીર નાખી, ડુંગરી, કેરીનું અથાણું અને ચોખા ના રોટલા કે નાગલી(રાગી) ના રોટલા સાથે ગરમ ગરમ ખાસો તો ખુબજ મજા આવશે.